Thu Oct 08 2026

Logo

સુરત ફૂડ પોઈઝનિંગઃ મૃત દીકરીનાં અંતિમ સંસ્કારમાં માત્ર પિતા હાજર

2026-08-19 18:41:21
Author: Pooja Shah
સુરત ફૂડ પોઈઝનિંગઃ મૃત દીકરીનાં અંતિમ સંસ્કારમાં માત્ર પિતા હાજર

શહેરમાં 300 હોટેલો પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી

અમદાવાદઃ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવારના પાંચ જણને ફૂડ પોઈઝનિંગ થતા તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી પાંચ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. માતા-પિતા અને બે દીકરી હજુ સારવાર લઈ રહ્યા છે. તબીબોના કહેવા અનુસાર તેમની તબિયત સ્થિર છે. દરમિયાન સૌથી નાની દીકરીના અંતિમ સંસ્કારમાં પરિવારમાંથી માત્ર પિતા જ હાજર રહી શક્યા હતા. પિતા અશોકભાઈ કળસરિયાએ દીકરીને આખરી વિદાય આપી હતી અને ફરી તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. દરદીઓના ફાઈનલ રિપોર્ટ્સ આવ્યા બાદ તેમને બુધવારે સાંજે અથવા આજે ડિસ્ચાર્જ આપવામાં આવે તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

પરિવારે શીતલ રેસ્ટોરાંમાંથી પંજાબી શાક મંગાવ્યા હતા અને તે ખાધા બાદ પાંચેયની તબિયત ખરાબ થઈ હોવાના અહેવાલો બાદ આરોગ્ય પ્રધાને શીતલ રેસ્ટોરાંને સિલ કરવાના આદેશ આપ્યા હતા અને અન્ય તમામ ખાણીપીણીની જગ્યાઓ પર સ્વચ્છતા અને હાઈજીનનો ખ્યાલ રહે છે કે તે ચકાસવા જણાવ્યું હતું. ઘટનાના દિવસથી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ શહેરના તમામ નવ ઝોનમાં ચેકિંગ માટે નીકળી હતી. આ દરોડા દરમિયાન શહેરના 330 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ, કેફે અને ખાદ્ય એકમો પર ટીમ ત્રાટકી હતી. 

ચેકિંગ દરમિયાન ભોજન બનાવવામાં વપરાતા કાચા માલની ગુણવત્તા, વાસણો અને રસોડાની આસપાસની સ્વચ્છતા, પીવાના તેમજ રસોઈમાં વપરાતા પાણીની ચકાસણી કરી હતી. આ સાથે પનીર, ચીઝ બટર વગેરેનું ખાસ ચેકિંગ કર્યું હતું.મળતી વિગતો અનુસાર ચેકિંગ દરમિયાન અલગ અલગ ઝોનમાંથી આશરે 1600 કિલો અખાદ્ય, વાસી અને ગુણવત્તા વગરનો જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો અને લગભગ 208 એકમને કડક નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 17 રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા હતા. મનપાએ કુલ ₹4,17,500નો વહીવટી દંડ વસૂલ્યો હોવાની માહિતી પણ સૂત્રોએ આપી હતી.