Fri Oct 02 2026

Logo

આવતીકાલે વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમિત શાહ ગુજરાતમાં

2026-09-16 18:53:35
Author: Pooja Shah
આવતીકાલે વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમિત શાહ ગુજરાતમાં

બાઈક રેલીને આપશે લીલી ઝંડી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ રહેશે હાજર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આજથી 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' બાઈક સેવા યાત્રાના પ્રારંભ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન‘ની શરૂઆત થશે. વડનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઈ શાહ સવારે ૯.૩૦ કલાકે બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ યાત્રા દેશના ૧૦ રાજ્યના ૧૯૩ જિલ્લા અને ૧,૧૫૯ જેટલાં ગામડાંમાંથી પસાર થઈને અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે. જાહેરજીવનમાં નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ઓક્ટોબરે યાત્રાનું  સમાપન થશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહેવાના છે, તેમ પક્ષે જણાવ્યું હતું.  આ સાથે કેન્દ્રીય કેબિનેટ પ્રધાન શ્રીમતી અનુપ્રિયા પટેલ પણ હાજર રહેશે. વડનગર અને વારાણસી એમ બંને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં ૧૦ અલગ ગ્રુપમાં ગ્રુપ દીઠ ૨૫ બાઈક પર ૫૦ સેવા યાત્રી જોડાશે. વડનગરથી વારાણસીની યાત્રામાં ૨૫૦ બાઈક પર ૫૦૦ સેવા યાત્રીતેમજ વારાણસીથી વડનગરની યાત્રામાં પણ ૨૫૦ બાઈક પર ૫૦૦ સેવા યાત્રી સહભાગી થશે.

આ રીતે દેશભરમાંથી કુલ ૧,૦૦૦ જેટલા યુવાન આ યાત્રામાં ભાગ લેશે. દરેક ટુકડી ૧૦ અલગ અલગ રૂટ પરથી પસાર થશે. ૭ ઓક્ટોબરના દિવસે જ્યારે નરેન્દ્રભાઇ મોદીને જાહેરજીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના છે તે દિવસે આ યાત્રાનું સમાપન થશે. યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન તથા જળસંરક્ષણ  જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે, તેવી માહિતી ભાજપે એક અખબારી યાદી દ્વારા આપી હતી. 

આ ઉપરાંત શાહ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે તેમજ કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવવાના ઐતિહાસિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. આ ઉપરાંત રાજ્યભરમાં વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.