Tue Apr 21 2026

Logo

સમ્યક ચારિત્ર: આચાર જ પરમ ધર્મ છે

2026-04-20 12:25:00
Author: Rajesh Yagnik
Article Image

વિશેષ - રાજેશ યાજ્ઞિક

જૈન દર્શનમાં કહેવાયું છે કે, `સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:' એટલે કે, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચરિત્ર એ જ મુક્તિનો માર્ગ છે અને સાચું સુખ ફક્ત મુક્તિની સ્થિતિમાં જ મળે છે, તેથી જીવોનું અંતિમ કર્તવ્ય છે કે તેઓ મુક્તિના માર્ગ પર ચાલે. 

સમ્યકચારિત્ર એટલે શું? યોગ્ય આચરણ. વિશ્વમાં જેટલા ધર્મો એક અથવા બીજા નામે મોજૂદ છે, તે બધામાં મૂળ તત્ત્વ `યોગ્ય આચરણ' જ છે. 

જૈન દર્શનમાં તે જીવનના વ્યવહા પાસાઓનો ઉલ્લેખ કરે છે: અહિંસા (જીવોને નુકસાન ન પહોંચાડવું), સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય (પરિણીત પુષો અને સ્ત્રીઓ માટે ખાસ નિયમો સાથે), અપરિગ્રહ (ઓછામાં ઓછી સંપત્તિ અને આસક્તિનો ત્યાગ). તેમાં સત્યતા, તપસ્યા અને ધાર્મિક આચરણના અન્ય નૈતિક નિયમોનો પણ સમાવેશ થાય છે જે જૈન માર્ગ અનુસાર જીવનને શુદ્ધ કરે છે. સનાતન ધર્મમાં પણ કહેવાયું છે કે `આચાર: પરમો ધર્મ:' અર્થાત આચરણ જ પરમ ધર્મ છે. 

પરંતુ આચરણ હંમેશાં વ્યક્તિના સાચા ચરિત્રનું પ્રતિબિંબ નથી હોતું. બાહ્ય આચરણ ઘણીવાર એક મુખવટો હોય છે. સિંહ શાંતિથી બેઠેલો દેખાય તેનો અર્થ એવો નથી થતો કે તેણે પોતાનો હિંસક સ્વભાવ છોડી દીધો છે. મંદિરમાં દર્શન કરવા હાથ જોડીને, આંખ બંધ કરીને ઊભેલો કોઈ વ્યક્તિ હકીકતમાં જો ચોરી કરવાના મનસૂબા સાથે આવ્યો હોય તો તેણે ભક્ત કહેવાય ખરો? તેવી રીતે મનુષ્યનું બાહ્ય આચરણ ઘણીવાર પરિસ્થિતિજન્ય હોય છે, સ્વભાવજન્ય નહીં. કહેવાનો અર્થ એ કે, મનુષ્યનું આચરણ જો તેના મનનું, તેના હૃદયનું અને તેના સ્વભાવનું પ્રતિબિંબ હોય તો જ તે હકીકતમાં યોગ્ય આચરણ કહેવાય. જૈન દર્શન આવા આચરણને જ સમ્યકચારિત્રનું નામ આપે છે.
રાવણ મહાજ્ઞાની, શિવભક્ત હતો, તેમ છતાં તેના આચરણમાં ખોટ હતી. દુર્યોધનમાં પણ ઘણા સદગુણ હતાં, પરંતુ તેના આચરણમાં પણ ખોટ હતી. 

શ્રીમદ ભગવદ ગીતાજીમાં ઠેર ઠેર ભગવાન ઉત્તમ ચારિત્રની મહત્તા વર્ણવે છે. અધ્યાય 12 માં ભગવાન કહે છે, જે કોઈનો દ્વેષ કરતો નથી, જે બધાનો મિત્ર અને દયાળુ છે, જે આસક્તિ અને અહંકારથી મુક્ત છે, જે સુખ અને દુ:ખમાં સમાન રહે છે અને ક્ષમાશીલ છે, તે સારા ચારિત્ર્યવાળો ભક્ત મને પ્રિય છે. અધ્યાય 16માં ઉત્તમ ગુણવાળા મનુષ્યની વાત કરતી વખતે ભગવાન ઉત્તમ ચારિત્રનું વિસ્તારથી વર્ણન કરે છે. તેની સાથે અધમ ચારિત્રનું પણ વર્ણન કરે છે. 

એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે, પરદેશમાં જ્ઞાન એ સંપત્તિ છે, વ્યસની માટે  શાણપણ એ સંપત્તિ છે, પરલોક માટે ધર્મ સાચી સંપત્તિ છે, પણ `શીલ' (સારું ચારિત્ર્ય) એ દરેક જગ્યાએ સંપત્તિ છે. 

 સમ્યક ચરિત્રના 13 અંગ છે - 5 મહાવ્રત, 5 સમિતિઓ અને 3 ગુપ્તી. પાપ કર્મોથી દૂર રહેવું અને શુભ કાર્યોમાં જોડાવું એ યોગ્ય આચરણ છે. મન, વચન અને કાયાથી સારાં કાર્યોમાં જોડાવું, જે સારાં કર્મોને પ્રોત્સાહન આપે છે અને ખરાબને દૂર કરે છે, તે સમ્યક ચારિત્ર છે. 

આચાર્ય કુંદકુંદના મતે, ચારિત્ર્ય (આચરણ) એ આત્માની એવી સ્થિતિ છે જે મોહ (ભ્રમ) અને ક્ષોભ (ચિંતા), ખાસ કરીને દર્શનમોહ (દ્રષ્ટિનો ભ્રમ) અને ચરિત્રમોહ (આચરણનો ભ્રમ) થી મુક્ત છે. તેને `ધર્મ' (સત્યતા) અને `સમ' (સમતા) પણ કહેવામાં આવે છે.

માનવતાનું અંતિમ લક્ષ્ય આત્માના સ્થિર સ્વભાવને પ્રાપ્ત કરવાનું છે. ખોટી માન્યતાઓનો ત્યાગ કરીને અને આત્માના સાચા સ્વભાવમાં નિશ્ચિતપણે સ્થાપિત થઈને આ પ્રાપ્ત કરી શકાય છે. 

જો ધર્મની વાત કરીએ તો તેમાં ચારિત્રમય આચરણનો અર્થ અંતર્બાહ્ય બંને થાય છે. શારીરિક આચરણ પણ સંયમિત હોય અને સાથે મનની સ્થિતિ પણ સંયમિત હોય ત્યારે જ તે `સમ્યક' બને છે. સંસારીઓ માટે પણ ચરિત્રનું મહત્ત્વ ઓછું નથી તે આપણે ક્યાં નથી જાણતા? પ્રત્યેક કાર્યમાં કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર, મદથી અલિપ્ત રહીને વર્તવું તે યોગ્ય ચારિત્ર છે. બૌદ્ધ ધર્મમાં પણ પંચશીલ દ્વારા ચારિત્રને ઘડવાની શિખામણ અપાઈ છે. 

ચારિત્રને શુદ્ધ કરવા આપણું દર્શન અને આપણું જ્ઞાન પણ શુદ્ધ થવું જોઈએ. તેથી જ આ ત્રણને જૈન દર્શનમાં રત્નત્રય કહેવાયા છે.