ગીતા મહિમા - સારંગપ્રીત
કર્મની મીમાંસા પછી હવે ભગવાન કૃષ્ણ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગનો મર્મ સમજાવી રહ્યા છે.
`પ્રવૃત્તિ અને નિવૃત્તિ' આ શબ્દો માત્ર બે પ્રકારની જીવનશૈલી નથી, પરંતુ મનુષ્યના આંતરિક સંતુલનને સમજાવતી બે મૂલ્યવાન દિશાઓ છે.
પ્રાય: સામાન્ય માનવી સમજે છે કે જીવનમાં પ્રવૃત્તિ એટલે કર્તવ્ય, જવાબદારી, પરિશ્રમ, સેવા, સંસાર-વ્યવહાર અને ધર્મ-અનુષ્ઠાનનું પાલન. જ્યારે નિવૃત્તિ એટલે સંસાર-વ્યવહારની તમામ જવાબદારીમાંથી મુક્તિ, ભગવાનનું ધ્યાન, ઇન્દ્રિયોનું નિયંત્રણ અને સંસારના ઉતારચઢાવમાંથી નિસ્પૃહ રહેવું વગેરે.
પરંતુ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે શાંતિ માત્ર જંગલમાં ભાગવાથી નથી આવતી. કર્તવ્ય છોડીને નિવૃત્ત થવાનું નામ નિવૃત્તિ નથી. સાચી નિવૃત્તિ તો મનની છે, જેમાં વ્યક્તિ સંસાર વચ્ચે રહીને પણ તેમાંથી અલિપ્ત રહે છે.
મનુષ્ય માત્ર એક સ્થાને શાંતિથી બેસી રહીને જીવી શકતો નથી; શરીર, સમાજ, સંસાર આ બધું ચાલે છે પ્રવૃત્તિ પર. જો પ્રવૃત્તિ ન હોય તો શરીર પણ નહીં ચાલે, જીવન પણ નહીં વધે, અને સમાજ પણ નહીં ટકે.
હા, શરીર એક સાધન છે, જેને સતત ખોરાક, પાણી, ઊર્જા અને ક્રિયા જોઈએ. મનુષ્ય જો માત્ર નિવૃત્ત થઈને બેસી રહે, કોઈ કાર્ય ન કરે તો શરીર જડ બનવા લાગે છે. હાડકાં નબળાં થાય, રક્તપ્રવાહ અસમ રહે, મન પણ ઉદાસ થવા લાગે. `યોગ' પણ ત્યારે જ સફળ બને છે જ્યારે શરીર સક્રિય રહે. એટલે પ્રવૃત્તિ શરીરની યાત્રાને જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે. ક્રિયાત્મકતા- ચાલવું, દોડવું, પરિશ્રમ આ બધું શરીરને સજીવન રાખે છે.
બીજું, ઘર, પરિવાર, બાળકો, સમાજ આ બધું પ્રવૃત્તિ પર જ ટકેલું છે. કમાણી વગર ઘર નહીં ચાલે. જવાબદારી વગર પરિવારને આધાર નહીં મળે. મનુષ્યનું જીવન સંબંધો અને ફરજોથી ઓતપ્રોત છે, અને એ બધું વ્યાવહારિક પ્રવૃત્તિ માગે છે. વેદોએ પણ વિધિ-નિષેધ આપીને પ્રવૃત્તિની દિશા ચીંધી છે. વળી ગીતા સ્પષ્ટ કહે છે કે `કર્મ વગર કોઈ રહી શકે એમ છે જ નહીં ! માણસે પોતાનું નિયત કર્મ કરવું જ જોઈએ. કર્મ કર્યા વિના શરીર યાત્રા પણ શક્ય નથી.' શરીર યાત્રા એટલે જીવનનો સમગ્ર પ્રવાહ!
ત્રીજું, આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે કે પ્રવૃત્તિ માત્ર ભૌતિક જરૂરિયાત નથી, તે આધ્યાત્મિક વિકાસનું પણ સાધન છે. નિષ્કામ ભાવથી કરેલી પ્રવૃત્તિ હૃદયને શુદ્ધ કરે છે. સેવા, દાન, પરિશ્રમ, મદદ આ બધું પ્રવૃત્તિ છે, પરંતુ તેનાથી અહંકાર ઓગળે છે, અને મુમુક્ષુ ભગવાનની સમીપ જાય છે.
ભગવાન સ્વામિનારાયણે વિરક્ત બ્રહ્મચારી સંતો બનાવ્યા પણ તેમને સંસારમાં રાખીને સંસારથી અલિપ્ત રહેતા શીખવાડ્યું. સંતોને સમાજસેવાની પ્રવૃત્તિમાં જોડ્યા. આધુનિક યુગમાં પણ પ્રવૃત્તિધર્મનો મર્મ પ્રમુખસ્વામી મહારાજે સૌને સમજાવ્યો. તેઓએ ગૃહસ્થ જનોને સંસાર છોડવાનું ન કહ્યું, પરંતુ સંસારને કેવી રીતે મુક્તિનો માર્ગદર્શક બનાવવો તે શીખવ્યું. તેઓ કહેતાં કે ભગવાન તથા ગુની આજ્ઞા અને પ્રસન્નતા માટે કરેલી પ્રવૃત્તિ, નિવૃત્તિ બની જાય છે.
પ્રવૃત્તિ એ જીવનની નદી છે. તે વિના નદીને પાણી નથી, જીવનને ગતિ નથી. માણસ જેટલો નિયત કર્મ અને કર્તવ્યથી દૂર જાય છે, તેટલો વિચારોમાં, કલ્પનાઓમાં, નિષ્ક્રિયતામાં, અશક્તિમાં ફસાઈ જાય છે. પ્રવૃત્તિ માણસને બળ આપે છે, ઉત્સાહ આપે છે, અને જીવનને અર્થ આપે છે.
પરંતુ એટલું યાદ રાખવું કે કેવળ બાહ્ય પ્રવૃત્તિ, અને તે પણ આજ્ઞારહિત, મનમાનેલી, એટલે કે દિશાહિન અને સ્વાર્થભરી પ્રવૃત્તિ, હંમેશાં હાનિકારક સાબિત થાય છે. તેનું પરિણામ સદા અશાંતિ, અસંતોષ, અજંપો અને નિરાશામાં આવે છે. કારણ કે પ્રવૃત્તિનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે તે, ભગવાન, ગુ, ધર્મ, શાસ્ત્ર, નિયંત્રણ અને કર્તવ્યથી જોડાય છે.
અંતે મહંતસ્વામી મહારાજ યાદ કરાવે છે કે નિવૃત્તિ અને અંતર્દૃષ્ટિ પણ અનિવાર્ય છે. બાહ્ય પ્રવૃત્તિ જીવનને ચલાવે છે, પરંતુ અંદરની નિવૃત્તિ અને અંતર્દૃષ્ટિ એને સાચી દિશા આપે છે. રોજ થોડો સમય પોતાની સાથે વિતાવવાની ટેવ પાડવી જોઈએ. તેમાં ભગવાનની પ્રાપ્તિનો વિચાર, સંસારની નશ્વરતાનો વિચાર કરવો જોઈએ.
આમ, બાહ્ય પ્રવૃત્તિ અને આંતરિક નિવૃત્તિ, બંનેનું સંતુલન આવશ્યક છે. પ્રવૃત્તિ વગર જીવન ચાલતું નથી, અને નિવૃત્તિ વગર જીવન શાંત થતું નથી. બંને મળીને મનુષ્યને પૂર્ણ બનાવે છે. માણસે બહારથી પ્રવૃત્તિશીલ અને અંદરથી નિવૃત્ત રહેવું જોઈએ. હાથમાં કામ હોય અને હૃદયમાં હરિનામ હોય, આ જ જીવનનું સૌંદર્ય, આ જ મુક્તિનો સાચો માર્ગ છે.