Tue Apr 21 2026

Logo

શ્રીકૃષ્ણનાં બાલસખી રાધા પ્રત્યેના પ્રેમ

2026-04-20 12:22:00
Author: Jyotsana Tanna
Article Image

શ્યામ સમીપે - જ્યોત્સના તન્ના

વિચાર તો આવે કે શ્રીકૃષ્ણને કોઈ દિવસ વૃંદાવન, રાધા, ગોપીઓ, ગોપમિત્રો, ગાયો કે પાલક પ્રેમાળ માતાપિતા કોઈ દિવસ યાદ જ નહીં આવ્યાં હોય? મુખ્ય પ્રાચીન ગ્રંથો એ વિશે મૌન છે. હૃદયની વ્યથા અને વિરહવેદના કોણ સમજે? પાછળથી લખાયેલા ગ્રંથો જેવા કે પદ્મપુરાણ, ગર્ગસંહિતા, સુરદાસ વગેરેએ રાધાકૃષ્ણનું મિલન ગોપીઓ સાથે પણ કરાવી દીધું. રાસક્રીડા પણ થઈ. `વિદગ્ધમાધવ' નામના રૂપ ગોસ્વામીએ રચેલા નાટકમાં મથુરામાં નારદમુનિની સૂચનાથી સ્વર્ગની નાટકમંડળી દ્વારા વૃંદાવનલીલાની ભજવણી કરવામાં આવી. શ્રીકૃષ્ણ ત્યારે ભાવવિભોર થઈ ગયા હતા અને ગોપીરૂપે તેમાં ભાગ લેવાની તેમની ઈચ્છા પણ થઈ ગઈ હતી. 

સુરદાસે શ્રીકૃષ્ણના મુખે એક વાક્ય મૂક્યું, જેમાં તેમની વ્યથા દેખાઈ આવે છે. `ઊધો, મોહે બ્રજ બિસરત નાહિ'. બ્રહ્મવૈવર્તપુરાણે સરસ યુક્તિસભર વાત મૂકી છે. શ્રીકૃષ્ણે ઉદ્ધવ સાથે ગોપીઓને સંદેશો મોકલ્યો હતો. ઉદ્ધવ તો રાધાપ્રમુખ ગોપીઓનું વિરહદુ:ખ જોઈ ન શક્યા તેથી તેમણે વચન આપી દીધું કે તેમના કૃષ્ણ જરૂર ત્યાં આવશે. મિત્રનું વેણ રાખવા શ્રીકૃષ્ણ બધાંને સ્વપ્નમાં મળ્યા. આમ પણ વ્રજ-વૃંદાવન ગોકુળ માટે શ્રીકૃષ્ણ સપનું જ થઈ ગયા હતા. જેમ હરીન્દ્ર દવેને થયું, `સપનામાં નીરખ્યા મેં શ્યામ, હવે નહીં રે ઉઘાડું મારાં નેણ.'

આ સમસ્યા દરેક યુગના કવિહૃદયનોને મૂંઝવતી રહે છે. પ્રેમાસક્ત રાધા ચિરવિરહિણી? શ્રીકૃષ્ણનું હૃદય જેની પાસે છે તેની યાદ શ્રીકૃષ્ણને કોઈ દિવસ વ્યાકુળ ન બનાવી ગઈ?

પ્રશ્ન બધાંને એક છે, ઉત્તર પોતપોતાના છે. `દ્વારિકાના રત્નજડિત ભવ્ય મહાલયમાં રુક્મિણીના રોમાંચિત આલિંગન છતાં મુરારિના હૃદયમાંથી યમુના તીરે વાંસવનની કુંજોની આભીર સ્ત્રી (રાધા)ની યાદ જતી નથી અને શ્રીકૃષ્ણને મૂર્ચ્છા આવી જાય છે - `સદુક્તિકર્ણામૃત'. હરીન્દ્ર દવેએ પણ આ વાતને પોતાની રીતે આલેખી છે. `અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં. રાધાનું નામ યાદ આવ્યું? રુક્મિણીની સોડ તજી માધવ, બંધ દરવાજે ભાન ફરી આવ્યું.' આ વખતે શ્રીકૃષ્ણની મૂંઝવણનો પાર નથી. ભૂપેશ અધ્વર્યુ, `દ્વારકાના મહેલ મહીં જાદવરાય, દર્પણમાં દેખાતાં કાનજી થાય... બ્હારની રુક્મિણી મોહે ને દર્પણની અચકાતી દેખી ગોવાળજી હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી, રોતી રાધિકાનું મુંખડું દેખાય. રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં નાથ રે દુવારકાનો એવો ઘેરાય.'

ભક્ત સુરદાસે તો શ્રીકૃષ્ણ, તેમની રાણીઓ, રાધા વગેરે ગોપગોપીઓનો એક વાર મેળાપ કરાવી દીધો. શ્રીકૃષ્ણે બધાને કુરુક્ષેત્ર આવવા સંદેશ મોકલ્યો હતો. આ વખતે શ્રીકૃષ્ણનાં બાલસખી રાધા પ્રત્યેના પ્રેમને જાણતી ઉદારમના પટરાણી રુક્મિણીએ પૂછી જ લીધું. `પ્રિય, ઈન મેં કો વૃષભાનુ કિસોરી?' શ્રીકૃષ્ણે રાધાને ચીંધી અને કહ્યું, `વહ લખિ - જુવતી વૃંદ મેં ઠાઢી. નીલ વસન તન ગોરી, સુરદાસ મેરો મન વાકી ચિંતવનિ હર્યો હી'. પછી તો પ્રેમવિભોર કૃષ્ણપ્રેયસી અને પ્રમાસક્ત કૃષ્ણમહિષી મળ્યા. `રુક્મિણી રાધા ઐસેં ભેંટી, જૈસે બહુત દિનન કી બિછુરી એક બાપ કી બેટી.' અને છેવટે પ્રિયા અને પ્રિયનું મિલન - `રાધા માધવ ભેંટ ભઈ, રાધા માધવ, માધવ રાધા, કીટ ભૃંગ ગતિ હવૈ જુ ગઈ' અને ત્યાર પછી વિદાય પણ આપી દીધી, `વિહસિ કહ્યો હમ તુમ નહીં અંતર, યહ કહી ઉન બ્રજ પઠઈ.' વધુ વાત નથી.
સુરદાસે તો બધાને પાછા વ્રજ મોકલી દીધાં, પણ લોકમાનસને આ ન ચાલ્યું. આખરે રાધા લોકોનીયે ખરી જ. થોડાં લોકગીતોમાં જુદું આલેખન થયું છે. જોઈએ.

`એક ચંપો ને મરવો ડોલરિયો, આવી રોપ્યો રમખાઈને આંગણે. એનાં ફૂલ થયાં રે દસ પાંખડીએ, વા'લે થાળ ભરીને ફૂલ વેડિયાં. વા'લે સહુને આલ્યાં સંભારી.' પણ રાધાને આ ફૂલ ના મોકલાયાં, તેથી તેણે અબોલા  લીધાં. પછી કૃષ્ણે રાધાને ત્યાં ફૂલનું ઝાડ જ વાવી દીધું. તો બીજા એક ગીતમાં વાત ઊંધી છે, `દીનોનાથ ઘેરે આવિયાને ચંપો મરવો લાવિયા, આવીને રોપ્યો છે રાધા આંગણે.' તેથી રુક્મિણી રિસાઈને પિયર ગયાં. ભક્ત નરસિંહ મહેતાએ પોતાની રીતે વાત કરી, `આજ રે કાનુડે વા'લે અમશું ંતર કીધું રે, રાધિકાનો હાર હરીએ રુક્મિણીને દીધો રે' રાધિકાએ તો ખોવાયેલ હાર શોધવા શેરીએ શેરીએ સાદ પડાવ્યા. આખર રુક્મિણીની ડોકમાં પોતાનાં મોતી ઓળખ્યાં અને રાધા તો ક્રોધિત થઈ ગયાં. આખરે `થાળ ભરી શેગ મોતી મગાવ્યાં, અણવિંધ્યા પરોવ્યાં રે, ભલે મળ્યો નરસૈંનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.'

કૃષ્ણ તો મથુરા જવા અક્રૂર અને બલરામ સાથે જવા નીકળ્યા, ત્યારે રાધાનું દિલ જ તૂટી ગયું. અરે જતાં વખત એક વાર પાછું ફરીને જોયું પણ નહીં - ચલત ફેરી ન ચિતયે લાલ. 

કૃષ્ણ તો દૂર ને દૂર જતાં ગયા. રાધા તાડ પર ચડીને રથને દૂર જતો જોઈ રહી. પછી નરસિંહ મહેતાએ કહ્યું તેમ, `તાડથી દીસતા રહ્યા રે, કે વૃક્ષથી પડી થઈ નિરાશ. ત્રાસત્રાસ વરતાઈ રહ્યો રે, કે રાધા જીવવાની મૂકી આશ.' રાધાને થતું રહ્યું કે કૃષ્ણના વિયોગથી હૈયું કેમ ન ફાટ્યું? સુરેશ દલાલે સરસ આલેખન કર્યું છે કે રાધાના વિરહ દુ:ખનું, `રાધાની વેદનાના મોરલાઓ સ્હેજે શું, માધવના કાળજામાં ગહેકે? વહેતી યમુનામાં કહો કેમ કરી ચીતરવું પારકા એ પ્રિયતમનું નામ... 
બાવરી આ રાધાનો માધવ વિનાનો અહીં ઝૂરે છે, એકલો સંબંધ રુક્મિણીની સોડ મહીં સૂતા છે શ્યામ: જાગે રાધા કદંબને ઝરૂખે.' રાધા એકલી ઝૂરતી રહી - `અતિ મલિન વૃષભાનુ કુમારી'.