રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ વેચતા ખેડૂતોને અચાનક મનપાના અધિકારીઓ દ્વારા ત્યાંથી હટાવવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવવા માટે કચેરીની બહાર રોડ પર જ પોતાના ફૂલ ઠાલવી દીધા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક વેપારી અને ખેડૂત ગુલાબભાઈ મનાભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી આ ધંધો કરે છે. પહેલા પારેવડી ચોક પાસે ધંધો કરતા હતા, જ્યાંથી તેમને ખસેડીને અહીં બેસાડવામાં આવ્યા હતા. હવે અહીંથી પણ તેમને ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને યોગ્ય જગ્યા આપવામાં આવે અથવા તો સવારે 8:30 વાગ્યા સુધીનો જે નિયમિત સમય છે તે મુજબ વેપાર કરવા દેવામાં આવે.
બીજા એક ખેડૂત દિલીપ રાઠોડે જણાવ્યું હતું કે આશરે 700 થી 800 જેટલા ખેડૂતો છેલ્લા 15 વર્ષથી સતત રામનાથપરા ખાતે ફૂલ વેચવા માટે આવે છે. તેઓ દરરોજ સવારે 8:30 વાગ્યા સુધી પોતાનો વેપાર કરે છે. પરંતુ આજે સવારે 6:00 વાગ્યે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર મનપાના અધિકારીઓ આવ્યા હતા અને માલ ઉપાડી લેવાની ધમકી આપીને ખેડૂતોને ત્યાંથી હટાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સીઝનમાં એક તરફ પૂરતો વરસાદ થયો નથી અને બીજી તરફ સીઝન સમયે વેપાર કરવા નહીં દેવાતા ખેડૂતોની આજીવિકા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને વેપાર માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
રાજકોટમાં ફૂલ બજાર મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન
રાજકોટમાં ફૂલ બજારને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. કમિશનરે સ્પષ્ટતા કરી છે કે રસ્તા પર ફૂલનું વેચાણ કરતા વેપારીઓ અને ગંદકી કરતા લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરના જણાવ્યા મુજબ, અગાઉ રસ્તા પર ફૂલનું વેચાણ થતું હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રસ્તા પર મોટી માત્રામાં ગંદકી પણ થતી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મનપા દ્વારા નવી ફૂલ માર્કેટ બનાવવામાં આવી છે. હાલમાં નવી ફૂલ માર્કેટમાં આશરે 50 ટકા જેટલી જગ્યા ખાલી હોવાનું કમિશનરે જણાવ્યું હતું. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા માર્કેટની બહાર રસ્તા પર જ બેસીને ફૂલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રસ્તાઓ સંપૂર્ણપણે ખાલી રહેવા જોઈએ અને તમામ વેપારીઓએ ફરજિયાતપણે નવી ફૂલ માર્કેટમાં જ બેસવાનું રહેશે. મનપા દ્વારા ફૂલ બજારમાં વેપારીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ કામગીરી કરવામાં આવશે. સાથે જ નાગરિકો અને ખેડૂતો બંનેને અગવડ ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે.
કમિશનરે વધુમાં સ્પષ્ટ કર્યું કે રસ્તા પરના દબાણો અને ગંદકી સામે સતત ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
હવે સવાલ એ છે કે નવી ફૂલ માર્કેટમાં જગ્યા ઉપલબ્ધ હોવા છતાં રસ્તા પર બેસતા વેપારીઓ સામે મનપાની કાર્યવાહી કેટલી અસરકારક રહે છે અને ફૂલ બજારની વ્યવસ્થા સંપૂર્ણપણે ક્યારે ટ્રેક પર આવે છે.