Sat Apr 25 2026

Logo

પંજાબની AAPમાં મોટી ઉથલપાથલના એંધાણ, ભગવંતસિંહ માને રાષ્ટ્રપતિ પાસે સમય માગ્યો

2026-04-25 19:55:00
Author: Mumbai Samachar Team
Article Image

અમૃતસરઃ આમ આદમી પાર્ટીમાંથી સાત સાંસદોએ રાજીનામા આપી દીધા બાદ પંજાબની આમ આદમી પાર્ટીમાં ચિંતા વધી ગઈ છે. નવી દિલ્હી કરતા પંજાબની આમ આદમી પાર્ટીમાં હવે તિરાડ પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નવી દિલ્હી અને પંજાબમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે સમય માંગ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના વિધાનસભા સભ્યો (ધારાસભ્યો) સાથે રાષ્ટ્રપતિને મળશે. 

સાંસદોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી

ભગવંત માન પંજાબના રાજ્યસભા સભ્યોને પાછા બોલાવવા અંગે પોતાનો વલણ રજૂ કરે તેવી અપેક્ષા છે, જે ભાજપમાં જોડાયા છે. નોંધનીય છે કે શુક્રવારે, રાઘવ ચઢ્ઢા સહિત કુલ સાત સાંસદોએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. આમાંથી ત્રણ સાંસદો શુક્રવારે જ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા.

બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે શનિવારે જણાવ્યું હતું કે, પાર્ટી રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને એક દિવસ પહેલા જ પાર્ટી છોડવાની જાહેરાત કરનારા સાત સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરશે. 

બંધારણનો ઉલ્લેખ કરીને વાત કરી

સંજય સિંહે ટિપ્પણી કરી હતી કે,  પક્ષપલટા વિરોધી કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે રાજ્યસભા અથવા લોકસભામાં કોઈ પણ પ્રકારનું વિભાજન અથવા જૂથવાદ હોઈ શકે નહીં. આવા પગલાને કોઈ કાનૂની માન્યતા મળતી નથી, ભલે તેને બે તૃતીયાંશ બહુમતીનું સમર્થન હોય.  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બંધારણની દસમી અનુસૂચિ અને પક્ષપલટા વિરોધી કાયદો બંને રાજ્યસભા અથવા લોકસભામાં કોઈપણ પ્રકારના વિભાજન, અલગ જૂથ અથવા જૂથને માન્યતા આપતા નથી - ભલે બે તૃતીયાંશ બહુમતી હોય કે ન હોય.

પત્ર લખવામાં આવ્યો 

સાત સાંસદોના ભાજપમાં જોડાવાના નિર્ણયને સંપૂર્ણપણે "ગેરકાયદેસર" અને "ગેરબંધારણીય" ગણાવ્યો. તેમણે કહ્યું, હું ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષને આ સાત સાંસદોને ગેરલાયક ઠેરવવા માટે પત્ર લખી રહ્યો છું.  AAP રાજ્યસભાના સભ્યો રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક, અન્ય પાંચ સાંસદો સાથે, શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

શુક્રવારે એક પત્રકાર પરિષદ દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે AAPના દસ રાજ્યસભાના સભ્યોમાંથી સાત ભાજપમાં ભળી જવા માટે તૈયાર છે.  આ પછી માહોલ ગરમાયો હતો અને નવી દિલ્હીથી લઈને પંજાબ સુધી આમ આદમી પાર્ટીની ચિંતા એકાએક વધી ગઈ હતી