નવી દિલ્હીઃ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું સીઝન મચ્છરનો ત્રાસ ભારતમાં બારેમાસ રહે છે. થોડુ પણ ભેજવાળું વાતાવરણ થાય એટલે મચ્છરને મોકળું મેદાન મળી જાય છે. ખાસ કરીને સાંજના સમયે બાહર નીકળતી વખતે મચ્છર કરડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એવામાં લોકો મચ્છરથી બચવા માટે ઘણા ઉપાય કરતા હોય છે. માત્ર ઉપાય કરતા જ નથી એ પાછળ ઘણા પૈસા પણ ખર્ચી નાંખે છે. એક સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, ભારતીયો દર વર્ષે મચ્છરના ડંખથી બચવા માટે જે પૈસા ખર્ચે છે એ રકમ કરોડોમાં થઈ છે.
કરોડ સુધી પહોંચી રકમ
ગ્રાન્ડ વ્યૂ રીસર્ચ એન્ડ હોરિઝોન ડેટાબુકના એક સર્વે રિપોર્ટ અનુસાર લોકો મચ્છરથી બચવા માટે જે કંઈ સાધન કે વસ્તુ ખરીદે છે એ રકમ હવે કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે કરવામાં આવેલા એક સર્વે રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી છે કે, ભારતમાં મચ્છરને દૂર કરવા માટે જે કોઈ ઉત્પાદનો ઉપયોગ કરવામાં આવે છે એનું માર્કેટ વધી રહ્યું છે. વર્ષ 2025માં આ માર્કેટ 402.3 મિલિયન ડૉલર એટલે કે 3350 કરોડનું હતું. આ આંકડો ખરા અર્થમાં ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, વર્ષ 2033 સુધીમાં આ આંકડો 6300 કરોડ સુધી પહોંચી શકે છે.
8 ટકા સુધીનો વધારો થઈ શકે
વર્ષ 2026થી 2033 સુધી આ માર્કેટમાં આશરે 8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ રૂપિયા ભારતીયો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ખર્ચે છે. મચ્છર કરડવાથી ડેંગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારીઓ થઈ શકે છે. આનાથી બચવા માટે લોકો મચ્છર દૂર કરે એવા ઉત્પાદનોની ખરીદી કરી રહ્યા છે. મચ્છરદાની અને મચ્છરોને દૂર કરતી અગરબત્તીનો ઉપયોગ કરે છે. આ માર્કેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે માસિક ખર્ચનો હિસાબ કરવામાં આવે એ સમયે આ વસ્તુઓ લોકો ઉમેરતા થયા છે.