નવી દિલ્હી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સારમાના પત્ની પર આરોપ લગાવીને કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેડા મુશ્કેલીમાં મુકાયા છે. આજે સુપ્રીમ કોર્ટે પવન ખેડાને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, સુપ્રીમ કોર્ટે ખેડાની ટ્રાન્ઝિટ જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે પવન ખેડાને ગુવાહાટી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આસામની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે, તો તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશ અને તેલંગાણા હાઈકોર્ટે કરેલી કોઈ ટિપ્પણીઓનો કોઈ પ્રભાવ નહીં પડે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પવન ખેડા દ્વારા હાઈકોર્ટમાં ખોટા દસ્તાવેજો સબમિટ કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું નકલી દસ્તાવેજો અંગેની અમારી ટિપ્પણીથી ગુવાહાટી હાઈકોર્ટમાં સુનાવણીને અસર નહીં થાય.
પવન ખેડા વિરુધ આસામના ગુવાહાટીમાં કેસ નોંધવામાં આવ્યો હતો, પવન ખેડાએ તેલંગાણા હાઈ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. હાઈ કોર્ટે પવન ખેડાને વચગાળાના જામીન આપ્યા હતાં, બાદમાં સુપ્રીમ કોર્ટે આ જમીન રદ કર્યા હતાં.
પવન ખેડા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ કેસમાં એક્સ પાર્ટી ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે પવન ખેડાને આપવામાં આવેલા ટ્રાન્ઝિટ જામીનની મુદત પૂરી થઈ રહી છે.
સિંઘવીએ પવન ખેડાના આગોતરા જામીન મંગળવાર સુધી લંબાવવાની માંગ કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે પૂછ્યું, "તેલંગાણામાં કેમ? આસામમાં કેમ નહીં?" સિંઘવીએ જવાબ આપ્યો, "અમને મંગળવાર સુધી આગોતરા જામીનની જરૂર છે, જેથી અમે આસામમાં અરજી દાખલ કરી શકીએ."
સિંઘવીએ કહ્યું, "શું તમે મંગળવાર સુધી તમે અમને રક્ષણ ન આપી શકો? મેં એક નાની ભૂલ કરી છે; મેં ખોટો દસ્તાવેજ દાખલ કર્યો. તે જ દિવસે, તે જ સુનાવણીમાં, અમે સાચા દસ્તાવેજ દાખલ કર્યા હતાં."