Fri Oct 09 2026

Logo

પાકિસ્તાની ખજૂર આયાતકાંડ: ઈન્દોરના વેપારી પિતા-પુત્રની નિયમિત જામીન અરજી ગાંધીધામ સેશન્સ કોર્ટે ફગાવી

2026-10-09 12:03:00
Author: Mumbai Samachar Team
પાકિસ્તાની ખજૂર આયાતકાંડ: ઈન્દોરના વેપારી પિતા-પુત્રની નિયમિત જામીન અરજી ગાંધીધામ સેશન્સ કોર્ટે ફગાવી

ભુજ: પાકિસ્તાનથી આયાત કરાતા માલસામાન પર લાદવામાં આવેલી 200 ટકા જેટલી ભારેખમ કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાના ઇરાદે, પાકિસ્તાની મૂળની સૂકી ખજૂરને ચોપડે દુબઈની દર્શાવી ભારતમાં ઘુસાડવાના બહુચર્ચિત દાણચોરી પ્રકરણમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ઝડપાયેલા મધ્યપ્રદેશના ઈન્દોરના પિતા-પુત્રની નિયમિત જામીન અરજી ગાંધીધામની નામદાર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈન્દોરની મેસર્સ હરે ક્રિષ્ના ટ્રેડર્સ નામની પેઢીના સંચાલક સુરેશ જમનાદાસ ચૌધરી (ઉ.વ.59) અને તેમના પુત્ર કુનાલ ચૌધરીની ડીઆરઆઈએ આશરે એક મહિના પૂર્વે ધરપકડ કરી હતી. ગાંધીધામની શિવોહમ્ ઈમ્પેક્સ અને મેસર્સ આશાપુરા ઈમ્પેક્સ મારફતે પવન સુરેશ ગોયલે હરે ક્રિષ્ના ટ્રેડર્સના ઓર્ડર પર દુબઈ રૂટ દર્શાવી પાકિસ્તાની મૂળની સૂકી ખજૂરના 13 કન્ટેઈનર આયાત કર્યા હતા.

જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપી પિતા-પુત્ર વતી એવી રજૂઆત કરાઈ હતી કે તેઓ માત્ર સ્થાનિક ખરીદદાર છે અને તેમણે સીધી કોઈ આયાત કરી નથી. વધુમાં, ડીઆરઆઈએ બંધારણના અનુચ્છેદ 22નું ઉલ્લંઘન કરી ઉજ્જૈનથી અટકાયત કર્યા બાદ કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના ગાંધીધામ લાવી ગેરકાયદે ગોંધી રાખ્યા હતા અને ધરપકડનું કારણ કે મેમો પણ આપ્યો નહોતો. પિતાએ નાદુરસ્ત તબિયત અને પુત્રએ દબાણ હેઠળ નિવેદન લેવાયું હોવાનો બચાવ રજૂ કર્યો હતો.

સામે પક્ષે ડીઆરઆઈ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ દલીલો કરતાં જણાવ્યું હતું કે, ઈન્દોરમાં પેઢી પર દરોડા દરમિયાન આયાતમાં તેમની સક્રિય સંડોવણી સાબિત કરતા મહત્વના દસ્તાવેજી અને નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે. માલનું પરિવહન પાકિસ્તાનથી દુબઈ થઈને થયું હોવાના ડિજિટલ પુરાવા પણ જપ્ત કરાયા છે. આયાત અંગે આરોપીઓએ ગાંધીધામ આવી પવન ગોયલ સાથે બેઠકો પણ કરી હતી અને તપાસ શરૂ થતાં લાંબો સમય અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.

સરકારી વકીલે ગેરકાયદે ધરપકડના આરોપોને નકારી સ્પષ્ટ કર્યું હતું કે સમન્સ અંતર્ગત નિવેદન નોંધી, મેમોમાં બે સ્વતંત્ર સાક્ષીઓની સહીઓ મેળવી, પરિજનોને જાણ કરી અને મેડિકલ તપાસ કરાવી વિધિવત્ ધરપકડ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.

બંને પક્ષોની દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું અવલોકન કર્યા બાદ પાંચમા અધિક સેશન્સ જજ રાકેશ જે. પટેલે નોંધ્યું હતું કે, આરોપીઓની પ્રથમદર્શનીય સંડોવણી સ્પષ્ટ થાય છે. ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે અને તપાસ હજુ નાજુક તબક્કામાં ચાલી રહી છે, ત્યારે આ તબક્કે આરોપીઓને જામીન પર મુક્ત કરવા યોગ્ય જણાતું નથી. કોર્ટે બંને પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતો આદેશ ફરમાવ્યો હતો.

ઉત્સવ વૈદ્ય