રાજકોટ: રાજકોટના આંગણે શૂરવીરો અને અમર શહીદોની શૌર્યગાથાને યાદ કરતી એક અનોખી દેશભક્તિ સંગીત સંધ્યા યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર) તથા 'બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ'ના સંયુક્ત ઉપક્રમે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે "કહા ગયે વો લોગ" શિર્ષક હેઠળ એક અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના 75 રાષ્ટ્રવીરો તેમજ 21 પરમવીર ચક્ર એવોર્ડ વિજેતા અમર શહીદોના ત્યાગ અને બલિદાનને નમન કરવાનો હતો.
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી શૂરવીરોની જીવંત રજૂઆત
રાજકોટમાં વિશાળ પાયે આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રના અમર સપૂતોની જીવનયાત્રાને સ્ક્રીન પર દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. કલાકારોએ જીવંત ઉદ્ઘોષણાઓ, દેશભક્તિ સભર ગીતો અને મંત્રમુગ્ધ કરી દેતા પર્ફોર્મન્સ દ્વારા વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની નવી ઊર્જા પૂરી હતી. કલાકારોની પ્રસ્તુતિએ હોલમાં હાજર તમામ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. હોલમાં ઉપસ્થિત સૌ રાજકોટવાસીઓએ અનોખી ખુમારી સાથે રાષ્ટ્રભક્તિનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે પૂર્વ રાજ્યપાલથી લઈને પ્રશાસનિક અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ મોડી રાત્રે 01:30 વાગ્યા સુધી સ્થળ પર હાજર રહ્યા હતા અને શહીદો તથા તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક આદર વ્યક્ત કર્યો હતો.
રમતગમત યુવા અને સંસ્કૃતિક વિભાગ અને બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કલેકટર ઓમ પ્રકાશ, પૂર્વ ગવેર્નવર વજુભાઇ વાળા, એક્સ આર્મી પવનકુમાર, રાજેન્દ્રભાઈ પંડ્યા અને શહીદોના પરિવાર જનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય આયોજનમાં વિશેષરૂપે પધારેલા શહીદોના પરિવારજનોનું પણ ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટના નાગરિકો માટે આ સાંજ કાયમ માટે સ્મરણીય અને દેશપ્રેમની ખુમારી જગાડનારી બની રહી હતી.