Fri Oct 09 2026

Logo

મહેસૂલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ જારી, કલેક્ટર કચેરી સામે ધરણાં યથાવત....

2026-10-09 12:25:00
Author: Mumbai Samachar Team
મહેસૂલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ જારી, કલેક્ટર કચેરી સામે ધરણાં યથાવત....

ભુજ: પોતાના અલગ અલગ માંગણીઓ સાથે લોકો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. 18 જેટલી પડતર માંગણીઓના સમર્થનમાં રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે કચ્છ જિલ્લામાં પણ મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે બીજા દિવસે અવિરત ચાલુ રહી હતી. કર્મચારીઓ સંપૂર્ણપણે કામકાજથી અળગા રહી કલેક્ટર કચેરી સામે ધરણાં પર બેસી જતાં જિલ્લાભરની મામલતદાર, પ્રાંત અને સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સાથે સંકળાયેલા સેંકડો અરજદારોના રોજેરોજના કાર્યો ખોરવાઈ ગયાં હતાં.

હડતાળના કારણે સૌથી મોટી માઠી અસર જમીન-મિલકતોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા નાગરિકો પર પડી છે. પક્ષકારો વચ્ચે દસ્તાવેજની પ્રક્રિયા થયા બાદ તેની કાયદેસરની નોંધો ઈ-ધરા કેન્દ્રમાં પડતી હોય છે, પરંતુ કર્મચારીઓની ગેરહાજરીના પગલે ઓનલાઈન પોર્ટલ પર નોંધો ચડાવવાની તેમજ ક્લિયર કરવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અરજદારોના મોટાભાગના કામો ડિજિટલ પ્રણાલી આધારિત હોવા છતાં, સંબંધિત સ્ટાફ હાજર ન હોવાથી કચેરીઓમાં ધરમધક્કા ખાવા સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી.

આંદોલનની વર્તમાન સ્થિતિ અંગે મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ હરેશ જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લાભરમાંથી કર્મચારીઓ એકત્ર થઈને ભુજ કલેક્ટર કચેરી સામે સવારથી અડિંગો જમાવી ધરણાં કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે રાજ્ય મહામંડળના હોદ્દેદારો સાથે સરકાર દ્વારા મંત્રણા અને પરામર્શનો દોર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર સમાધાન કે આદેશ આવ્યા નથી. મહામંડળ તરફથી સ્પષ્ટ સૂચના ન મળે ત્યાં સુધી આ હડતાળ યથાવત્ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કચેરીના કામકાજથી અળગા રહેલા મહેસૂલી કર્મચારીઓ હાલ આસો નવરાત્રિ નિમિત્તે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પોમાં પહોંચીને શ્રમદાન કરી રહ્યા છે અને સેવાકીય પ્રવૃત્તિ થકી સરકાર સામે પોતાનો અનોખો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. બીજી તરફ, વહીવટી મડાગાંઠના પગલે સામાન્ય નાગરિકોના કચેરી સંબંધી અટકેલા કામો ઝડપથી શરૂ થાય તે માટે વહેલી તકે સુખદ નિરાકરણ આવે તેવી લોકમાંગ ઊઠી છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...