Fri Oct 09 2026

Logo

સસ્તાં સોનાના નામે ઠગાઈનો પેંતરો રચાય તે પૂર્વે એલસીબી ત્રાટકી: ભુજમાંથી ₹૧.૫૦ કરોડના અસલી અને ૧૫ નકલી ગોલ્ડ બિસ્કીટ્સ સાથે પાંચ ઝડપાયા

2026-10-09 11:20:00
Author: Mumbai Samachar Team
સસ્તાં સોનાના નામે ઠગાઈનો પેંતરો રચાય તે પૂર્વે એલસીબી ત્રાટકી: ભુજમાંથી ₹૧.૫૦ કરોડના અસલી અને ૧૫ નકલી ગોલ્ડ બિસ્કીટ્સ સાથે પાંચ ઝડપાયા


ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી શિકાર શોધતા હતા: ગીતા કોટેજીસના મકાનમાંથી ક્રેટા કાર, બાઇક અને રોકડ સહિત ₹૧.૬૨ કરોડનો મુદ્દામાલ જપ્ત

ભુજ: સસ્તાં સોનાની લાલચ આપી નિર્દોષ લોકોને નકલી સોનાના બિસ્કીટ્સ પધરાવી લાખો રૂપિયા ખંખેરતી ભુજની કુખ્યાત ટોળકીની જાળમાં ફસાય તે પૂર્વે જ સ્થાનિક ગુનાશોધક શાખાએ ગીતા કોટેજીસના એક મકાનમાં દરોડો પાડી પાંચ સાગરીતોને ઝડપી લીધા છે. પોલીસે સેમ્પલ તરીકે દેખાડવા રાખેલા ₹૧.૫૦ કરોડની કિંમતના ૧ કિલો અસલી સોનાના ૧૦ બિસ્કીટ્સ તેમજ ૧૫ નકલી બિસ્કીટ્સ સહિત કુલ ₹૧.૬૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગાંધીનગર સ્થિત પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ) દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા કે, સસ્તાં સોનાના નામે ઠગાઈ આચરવાના બદઇરાદે ઇન્સ્ટાગ્રામ પર એક નકલી આઈડી સક્રિય થઈ છે. જેના આધારે પશ્ચિમ કચ્છ એલસીબીએ ટેકનિકલ સેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એનાલિસિસ હાથ ધરતાં બહાર આવ્યું હતું કે, ભુજની ગાંધીનગરીમાં રહેતા બશીર હાસમ કાતિયારે આ ફેક આઈડી બનાવી છે અને અન્ય સાગરીતો સાથે મળી દેશભરના લોકોને શિકાર બનાવવાની યોજના ઘડી છે.

દરમિયાન, આ ટોળકી ભુજના મહિલા આશ્રમ પાછળ આવેલા ગીતા કોટેજીસમાં સુલતાન સુલેમાન કુંભારના રહેણાક મકાને એકત્ર થઈ હોવાની પાકી બાતમી મળતાં એલસીબીની ટીમે ગત રાત્રિના ૧૦:૩૦ વાગ્યે દરોડો પાડ્યો હતો.

દરોડા સમયે પાંચેય શખ્સો પાસેથી બે લેડીઝ પર્સ અને સોનાના બિસ્કીટ્સ છુપાવવા માટેનો ખાસ કમરપટ્ટો મળી આવ્યો હતો. પોલીસે તલાશી લેતાં 
એક પર્સમાંથી ૧૦૦-૧૦૦ ગ્રામ વજનના અસલી સોનાના ૧૦ બિસ્કીટ્સ (કિંમત ₹૧,૫૦,૦૦,૦૦૦) મળી આવ્યા હતા.

બીજા પર્સમાંથી સોના જેવા દેખાતા ૧૫ નકલી બિસ્કીટ્સ મળ્યા હતા.

કમરપટ્ટામાંથી ગ્રાહકોને વજનનો ભાસ કરાવવા અંદર છુપાવેલા બિસ્કીટ આકારના લોખંડના ટુકડા જપ્ત કરાયા હતા. પોલીસે સ્થળ પરથી નકલી આઈડી બનાવનાર બશીર હાસમ કાતિયાર (રહે. ગાંધીનગરી, ભુજ), મકાનમાલિક સુલતાન સુલેમાન કુંભાર, તેનો ભાઈ સાજિદ સુલેમાન કુંભાર, અસગર સુલેમાન કાતિયાર (ત્રણેય રહે. ગીતા કોટેજીસ, ભુજ) તેમજ ફહીમ અલીમામદ સોઢા (રહે. જીલાનીનગર, ભુજ)ની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત પોલીસે મકાન બહાર પાર્ક કરેલી સુલતાનની ₹૧૦ લાખની ક્રેટા કાર, ₹૧.૫૦ લાખની કિંમતનાં ત્રણ મોટરસાઈકલ, ₹૯૦ હજારની કિંમતના ૯ મોબાઈલ ફોન અને અંગઝડતીમાંથી રોકડા ₹૪,૩૦૦ મળી કુલ ₹૧,૬૨,૪૪,૩૦૦નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. 

પકડાયેલા પાંચેય આરોપીઓ સામે ભુજ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે સરકાર તરફે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪), ૩૧૯ (૨) અને ૬૨ મુજબ ઠગાઈ આચરવાના પેંતરા અને પ્રયાસ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાએ જણાવ્યું હતું.

ઉત્સવ વૈદ્ય