Sun Sep 27 2026

Logo

OpenAIના ઓટોનોમસ બોટ્સે યુએન વેબસાઇટનો ડેટા એક્સેસ કરવાનો કર્યો પ્રયાસ

2026-09-27 19:15:29
Author: Mumbai Samachar Team
OpenAIના ઓટોનોમસ બોટ્સે યુએન વેબસાઇટનો ડેટા એક્સેસ કરવાનો કર્યો પ્રયાસ

 નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) અંગે સ્વતંત્ર રિસર્ચ રિપોર્ટને ટાંકીને મીડિયા અહેવાલમાં એક ગંભીર દાવો કરવામાં આવ્યો છે. ગયા જૂન માસમાં ઓપનએઆઇના ઓટોનોમસ બોટ્સે સંયુક્ત રાષ્ટ્રની એક વેબસાઇટ પર સતત સર્ચ રિક્વેસ્ટ મોકલી હતી તેમ જ સિસ્ટમ ડેટા સુધી પહોંચવા માટે ઘણી આક્રમક તક્નીકોનો ઉપયોગ કર્યો હતો.

અહેવાલ અનુસાર આ ઓટોનોમસ બોટ્સે જાહેર ડેટા સાઇટ પર ૧૬,૦૦૦થી વધુ વખત એટેક કર્યો હતો અને સુરક્ષા ફિલ્ટરને પણ છેતરીને આગળ નીકળી ગયા હતા. તાજેતરના અઠવાડિયામાં સંશોધકોએ ઓપનએઆઇના એઆઇ મોડેલ્સના ઓનલાઇન આ પ્રકારના 'રોગે'(મનસ્વી) વ્યવહારના અનેક કિસ્સા નોંધ્યા છે.

યુએનના કિસ્સામાં પણ આ એઆઇ એજન્ટોએ વેબસાઇટ્સમાંથી ડેટા ચોરી કરવા અથવા કાઢવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. સંશોધક રોવન હાવર્ડ-જોન્સે એઆઇ રિસર્ચ ફર્મ ટ્રાન્સલૂસ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાના આધારે આ માહિતી આપવામાં આવી હતી.

નિષ્ણાતોના મત અનુસાર એઆઇ મોડલ્સ અને ઓટોનોમસ એજન્ટો દ્વારા આ રીતે સિક્યોરિટી બ્રીચ અને કોઇ સરકારી કે આંતરરાષ્ટ્રીય સંસ્થાની વેબસાઇટ પર મોટી માત્રામાં બોટ રિક્વેસ્ટ મોકલવી તક્નીકી સુરક્ષા માટે ભારે ચિંતાનો વિષય છે. પરિણામે ફરી એકવાર એઆઇ સલામતી અને નિયંત્રણને લઇને ચર્ચા શરૂ થઇ છે કે શું આ સ્માર્ટ ટૂલ્સ પર લગામ મૂકવાની જરૂર છે.