Fri Apr 17 2026

Logo

ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમમાં થયો મોટો ફેરફાર, જાણો વિગત

2026-04-17 13:02:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યના લાખો વાહન ચાલકો માટે કામના સમાચાર છે. મોટર વાહન વ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન ઈન્શ્યોરન્સ મુદ્દે નવા નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થયા બાદ પણ એક મહિના સુધી માન્ય ગણાશે, અગાઉ મુદત પુરી થઈ જાય એટલે લાઈસન્સ રદ થઈ જતું હતું. અકસ્માતના કેસમાં 6 મહિનાના બદલે એક વર્ષ સુધી અરજી કરી શકાશે.

આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશન રદ કરવાનો સમયગાળો 14થી વધારીને 30 દિવસ કરવામાં આવ્યો છે. વાહનમાં નામ ટ્રાન્સફર કેસમાં ઈન્શ્યોરન્સમાં નામ ટ્રાન્સફર 1 મહિના સુધી કરી શકાશે. કેન્દ્રએ મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીદન વિશ્વાસ બિલ મુક્યું છે. અકસ્માત થાય ત્યારથી માંડી એક વર્ષ સુધી વળતર માટે અજી કરી શકાશે, જે પહેલા છ મહિના સુધી જ થતી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે,  નવા સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.  સજાના કડક વલણને બદલે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવીને લોકોને નિયમ પાલન માટે સમય અને તક આપવાનો  છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાના સાથે જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે. રોજબરોજ રાજ્યના કોઈને કોઈ ખૂણામાં અકસ્માતના બનાવ સામે આવતા રહે છે. RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં ગુજરાતમાં માર્ગ સલામતીની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. વર્ષે 2021 થી 2025 દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ 79,054 ઘટના બની હતી. જેમાં 38,530 લોકોએ જીવ  ગુમાવ્યા હતા. એટલે કે રાજ્યમાં દર કલાકે અકસ્માની બે ઘટના અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.  

આ ઉપરાંત રાજ્યમાં હિટ એન્ડ રનની વધતી ઘટના માર્ગ સલામતી માટે એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. 2020 થી 2024 દરમિયાન રાજ્યમાં કુલ 9597 બનાવો નોંધાયા છે. લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં  આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ 1800 થી વધુ ઘટનાઓ બને છે, અર્થાત્ રોજની સરેરાશ 5  ઘટના બને છે.