Fri Oct 09 2026

Logo

જેતપુરમાં વ્યાજખોરોએ કરી હદ પાર! 24 લાખના 41 લાખ વસૂલ્યા, છતાં ન ધરાતા વેપારીની દીકરી પાસે કરી શારીરિક માંગ

2026-08-03 17:38:39
Author: Devayat Khatana
જેતપુરમાં વ્યાજખોરોએ કરી હદ પાર! 24 લાખના 41 લાખ વસૂલ્યા, છતાં ન ધરાતા વેપારીની દીકરી પાસે કરી શારીરિક માંગ

જેતપુર: વ્યાજના ચક્કરમાં ઘણા પરિવારો તેનો ભોગ બની રહ્યા છે.  ત્યારે જેતપુરમાં વ્યાજખોરોના આતંકનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વેપારી પાસેથી 24 લાખ રૂપિયાના બદલામાં 41 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે વસૂલી લેવા છતાં વધુ રૂપિયા માટે ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે.

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, જેતપુરના જાગૃતિનગર વિસ્તારમાં રહેતા અને શ્રીજી પ્રોવિઝન સ્ટોર ચલાવતા અશોકભાઈ રાઠોડે સ્થાનિક પોલીસ મથકે જયેશ ભુત નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ પોતાની બહેનના લગ્ન, માતાની બીમારી અને ધંધાના કામ માટે 2018 થી 2021 દરમિયાન કટકે-કટકે 2 ટકાના માસિક વ્યાજે 24 લાખ રૂપિયા લીધા હતા. આ રકમનું અત્યાર સુધીમાં 41 લાખ રૂપિયા જેટલું તગડું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વ્યાજખોર આરોપીએ બળજબરીપૂર્વક અશોકભાઈની પેઢીના કુલ છ જેટલા કોરા ચેકોમાં ચાર-ચાર લાખ રૂપિયા ભરાવીને તેમના પિતાજીની સહીઓ કરાવી લીધી હતી. આ ઉપરાંત, વ્યાજખોર દ્વારા ફરિયાદીને અને તેમના પિતાને ગાળો આપીને જાનથી મારી નાખવાની અને હાથ-પગ તોડી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. જો કે ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ એ છે કે વ્યાજખોરે વોટ્સએપ મેસેજ દ્વારા ફરિયાદી પાસેથી શારીરિક માંગ કરી હતી. થોડા દિવસો પહેલાં વ્યાજખોર વેપારીની દુકાને આવીને ગલ્લામાંથી વેપારના પાંચ હજાર રૂપિયા પણ બળજબરીથી કાઢી ગયો હતો.  

વારંવારના ત્રાસ અને અસહ્ય માનસિક દબાણથી કંટાળીને આખરે અશોકભાઈ રાઠોડે જેતપુર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે વ્યાજખોર જયેશભાઈ ભુત સામે બી.એન.એસ.એસ. (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 308 (5), 296 (બી) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો દાખલ કર્યો છે.