નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં સીઝફાયરનું એલાન થયું છે. હવે હુમલા અટકી ગયા છે ત્યારે દરેક દેશની નજર હોર્મુઝ સ્ટ્રેટ પર ચોંટી છે. ઈરાને એલાન કર્યું છે કે, ભલે સીઝફાયર થયું હોય પણ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે. જ્યાં સુધી આ સમુદ્રીમાર્ગ ખૂલતો નથી ત્યાં સુધી અનેક એવા જહાજ જે તે દેશમાં પહોંચી શકે એમ નથી. આ માહોલ વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે,હોર્મુઝ ખુલશે તો ખરેખર સપ્લાય ચેઈનમાં રાહત થશે?
ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટું ગાબડું
રોયટર્સના અહેવાલ મુજબ, સીઝફાયરની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યા છે. બ્રેન્ટ ક્રૂડઓઈલની કિંમતોમાં આશરે 15-16 ટકાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ 110-120 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ હવે પ્રતિ બેરલ 93.73 ડોલર પર આવી ગયું છે. WTI ક્રૂડના વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં પણ લગભગ 18 ડૉલરનો મોટો ઘટાડો થયો છે, જેનાથી તેની કિંમત 94.52 ડોલર સુધી પહોંચી છે. નેચરલ ગેસ ફ્યુચર્સમાં પણ આશરે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતમાં મિશ્ર જોવા મળી રહી છે.
રાહત મળવામાં થોડો સમય લાગી શકે
આ ઘટાડો હજુ પણ યુદ્ધ પહેલાના જે ભાવ હતા ત્યાં સુધી પહોંચ્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે રાહત મળતા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ઘરવપરાશના રાંધણ ગેસ (સબસિડીવાળા સિલિન્ડર)ની કિંમતોમાં હજુ સુધી કોઈ મોટો ઘટાડો કરવામાં આવ્યો નથી. નિષ્ણાંતોના મતે આયાત પ્રક્રિયા હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ ન હોવાથી ઘરેલું ગ્રાહકોને સીધી રાહત મળવામાં થોડો સમય લાગી શકે છે.
હોર્મુઝ ખુલશે તો પણ ભાવ ઘટાડો નહીં થાય
ગેસના ભાવ પૂરેપૂરા ઘટે કે અછત દૂર થાય તેવી શક્યતા હાલમાં ઓછી છે. નિષ્ણાતોના મતે, આ માત્ર 'શરૂઆતની રાહત' છે, સંપૂર્ણ સુધારો આવતા હજુ લાંબો સમય લાગશે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) ના અહેવાલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, સપ્લાય ચેઈન પુનઃસ્થાપિત કરવામાં વિલંબ થઈ શકે છે. હોર્મુઝ ખુલવા છતાં ઇંધણના ભાવ આગામી કેટલાક મહિનાઓ સુધી ઊંચા રહી શકે છે. યુદ્ધ દરમિયાન પર્શિયન ગલ્ફના ઓઈલ-ગેસ ફિલ્ડ્સ, રિફાઇનરીઓ અને સ્ટોરેજ પ્લાન્ટ્સને ગંભીર નુકસાન થયું છે.
મિડલ ઈસ્ટને થયું છે મોટું નુકસાન
યુદ્ધમાં માત્ર અમેરિકા કે ઈરાનને જ નહીં, મિડલ ઈસ્ટના ઘણા દેશને મોટું નુકસાન થયું છે. કતારના 'LNG હબ' પર મોટી અસર છે. દુનિયાના 20 ટકા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)નું ઉત્પાદન કરતા કતારના રાસ લાફાન નેચરલ ગેસ હબને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેની સીધી અસર વૈશ્વિક સપ્લાય પર પડી છે. અહીંયાથી જ મોટાભાગના ગેસની નિકાસ થતી હતી. આ કેન્દ્ર ગેસ નિકાસનું પ્રાથમિક કેન્દ્ર હોવાનું મનાય છે. ભારત પર પ્રતિકૂળ અસર એની સ્પષ્ટ વર્તાશે. ભારતની LPG જરૂરિયાતનો 60 ટકા હિસ્સો મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) થી પૂરો થાય છે, તેથી દેશમાં ગેસની અછત હજુ ચાલુ રહેશે.
મહિનાઓ સુધી મુશ્કેલીઓ નડશે
સપ્લાય લાઇન ખોરવાઈ હોવાથી ગેસના સિલિન્ડર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરોમાં ગેસનું કાળાબજાર સક્રિય થયું હોવાના અહેવાલો છે. હોર્મુઝ ખુલ્યા બાદ પણ મુશ્કેલીઓ ઓછી નહીં થાય. યુદ્ધના કારણે માત્ર જળમાર્ગ જ નહીં પણ એનર્જી ઈન્ફ્રા. વેરવિખેર થઈ ગયું છે. તેલ ટર્મિનલ, પાઈપલાઈન્સ, રિફાઈનરી તથા સ્ટોરેજ હાઉસ જેવી સુવિધાઓને ભારે નુકસાન થયું છે. 'રિસ્ક પ્રીમિયમ'ને કારણે ગેસના ભાવ ઘટાડવા પડકારરૂપ છે. વૈશ્વિક સ્તરે સપ્લાય રૂટ ભલે ખૂલી ગયો હોય,પરંતુ ઊર્જા ક્ષેત્રે લાગેલી 'યુદ્ધની આગ' હજુ મહિનાઓ સુધી શાંત થાય તેમ લાગતું નથી.
ઉત્પાદન શરૂ થતા સમય લાગશે
EIA ના તાજા રિપોર્ટ મુજબ,ઉત્પાદન ફરી શરૂ કરવા અને ક્ષતિગ્રસ્ત પ્લાન્ટ્સના સમારકામમાં લાગનારો સમય આયાતકાર દેશોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. વિશ્વના મહત્વના ગેસ હબ 'રાસ લાફાન'ની 17 ટકા ઉત્પાદન ક્ષમતા હાલમાં ઠપ છે. નિષ્ણાંતોના મતે આ પ્લાન્ટ્સનું સંપૂર્ણ સમારકામ કરવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે. મહિનાઓથી અટકેલા ઓર્ડર અને સપ્લાયના બેકલોગને ક્લિયર કરવામાં પણ લાંબો સમય જશે. ભારત માટે આ સંકટ વધુ ઘેરું છે કારણ કે, ભારતની LPG સપ્લાયનો આશરે 90 ટકા હિસ્સો આ જ રૂટ પરથી આવે છે.