Tue Apr 21 2026

Logo

વૈશ્વિક અનિશ્ચિતતા છતાં સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા, જાણો આજના ટોપ ગેઈનર્સ અને લુઝર્સ

2026-04-21 10:12:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ઈરાન અને યુએસ વચ્ચે સંઘર્ષ ફરી શરુ થવાની શક્યતા વચ્ચે ભારતીય શેરબજારે આજે ઉછાળા સાથે શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 96 પોઈન્ટ વધારા સાથે 78,617 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 9 પોઈન્ટ વધીને 24,374 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, ICICI બેંક, એક્સિસ બેંક અને બજાજ ફાઇનાન્સ ટોપ ગેઈનર્સ રહ્યા, જ્યારે SBI લાઇફ ઇન્શ્યોરન્સ, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS અને HDFC લાઇફ ટોપ લુઝર્સ રહ્યા.

આજે શરૂઆતના કારોબારમાં આઇટી સેક્ટર સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાયો. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 0.5નો વધારો નોંધાયો.

એશિયન બજારોમાં ઉછાળો:
આજે મંગળવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઉછાળો નોંધાયો. જાપાનના ઇન્ડેક્સ નિક્કી-225માં 0.52 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં વધારા સાથે ખુલ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.58 ટકા અને કોસ્ડેકમાં 0.90 ટકાનો વધારો નોંધાયો. 

યુએસ બજારોમાં સામાન્ય ઘટાડો:
ગઈ કાલે સોમવારે યુએસ શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 4.87 પોઈન્ટ (0.01 ટકા)ના ઘટાડા સાથે 49,442.56 પર બંધ થયો, જ્યારે S&P 500 16.92 પોઈન્ટ(0.24 ટકા)ના ઘટાડા સાથે 7,109.14 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 64.09 પોઈન્ટ(0.26 ટકા)ના ઘટાડા સાથે  24,404.39 પર બંધ થયો.

આ અઠવાડિયે યુએસ-ઈરાન વચ્ચે વાટાઘાટો યોજવાની છે, આ વાટાઘાટો સફળ રહે એવી આશા સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ફ્યુચર્સ 1 ટકા ઘટીને $94.53 પ્રતિ બેરલ પર પહોંચ્યો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ મે માટે ક્રૂડ ફ્યુચર્સ 1.72 ટકાના ઘટાડા સાથે $88.07 પર પહોંચ્યો.