નવી દિલ્હીઃ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ટૂંક સમયમાં તેનાં ઈલેક્ટ્રિક વાહન સમર્પિત પ્લેટફોર્મ પર વિશાળ બજારને આકર્ષિત કરે તેવા એસયુવી ઈલેક્ટ્રિક વાહન રજૂ કરવાની યોજના ધરાવે છે, એમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ.ના વર્તમાન ઈલેક્ટ્રિક વાહનોના પોર્ટફોલિયોમાં આઈઓએનઆઈક્યુ-ફાઈવ અને ક્રેટા ઈલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. નવા એસયુવીની રજૂઆત પૂર્વે કંપની તેના વેચાણ અને સર્વિસીસનું નેટવર્ક તૈયાર કરી રહી છે અને ઈલેક્ટ્રિક વાહનો માટે સજ્જ થવા ડીલરોના કાર્યકારી બળોને તૈયાર કરી રહી છે. અગાઉ કંપનીએ વર્લ્ડ ઈવી ડૅ 2026ના રોજ નવી દિલ્હી ખાતે 120 કિલોવૉટ ડીસી ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનનો પણ આરંભ કર્યો હતો.
વધુમાં હ્યુન્ડાઈ મોટર્સ વર્તમાન નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનાં હાજરમાં વેચાણ અને સર્વિસીસ નેટવર્કનો વ્યાપ 820 ટચ પૉઈન્ટ સુધી અને 650 વર્કશોપનો વ્યાપ વિસ્તારવાની યોજના ધરાવે છે. કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં તેઓ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે વધુ 7000 વેચાણકર્તાઓ અને 5000 કરતાં વધુ સર્વિસીસ આપતી વ્યક્તિઓને વેચાણ, મેઈન્ટેનન્સ અને રિપેર માટેની તાલીમ આપવાની પણ યોજના ધરાવે છે.
નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધીમાં કંપની ગ્રાહકોને ઈલેક્ટ્રિક મોબિલિટીને ટેકો આપવા માટે 10,000 કરતાં વધુ વેચાણકર્તાઓને તાલીમ આપી છે. હાલ હ્યુન્ડાઈ મોટર લિ. પાસે દેશભરના તમામ ઈલેક્ટ્રિક વાહનોના ટચ પૉઈન્ટ પર 2600 કરતાં વધુ તાલીમબદ્ધ ડીલરશિપ સર્વિસીસ આપતી વ્યક્તિઓ ઈલેક્ટ્રિક વાહનોનાં મેઈન્ટેનન્સ, રિપેર માટે ઉપલબ્ધ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર તરૂણ ગર્ગે જણાવ્યું હતું કે અમે અમારા ઈલેક્ટ્રિક ચાર્જર્સ, ઈલેક્ટ્રિક વાહનોનાં રેડી વેચાણ અને સર્વિસીસ ટચ પૉઈન્ટના નેટવર્કને વિસ્તૃત કરીને વિશિષ્ટ માળખાગત સુવિધાઓમાં રોકાણ કરીને તથા અમારી ડીલરશિપ ટીમોને વ્યવસ્થિત તાલીમ આપીને ઈલેક્ટ્રિક મોબિલિટી તરફનાં સંક્રમણને અનુકૂળ, વિશ્વસનીય અને લાભદાયી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.
પ્રતીકાત્મક તસવીર