કરાંચીઃ લશ્કર એ તોએબા અને જમાત ઉદ દાવાના માધ્યમથી ભારતની સામે સતત ઝેર ઓંકતા તેમજ આતંકવાદી કાવતરા ઘડનારા મોટા આતંકવાદી હાફિઝ સઈદ પર ગાળીયો વધુ મજબૂત બની રહ્યો છે. બે મહિનામાં બીજું બિનજામીનપાત્ર વોરંટ એની સામે જાહેર કરી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી કાવતરૂ ઘડવા, આતંકીઓને હથિયાર, ફંડ તથા ફાયરિંગ માટેના આદેશના આરોપમાં લશ્કર એ તોએબાના મુખ્ય આતંકવાદી હાફિઝ સઈદ પર NIA કોર્ટે ગાળીયો કાયદાકીય રીતે મજબૂત કર્યો છે. આખી દુનિયા જાણે છે કે, આ આતંકવાદી હાલમાં પાકિસ્તાનની જાસુસી એજન્સીના સેફ-હાઉસમાં છુપાઈને બેઠો છે.
બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
જમ્મુ કાશ્મીરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટના સ્પેશ્યલ જજે દલીલોને સાંભળ્યા બાદ કહ્યું હતું કે, NIAના CIOને સાંભળ્યા અને આવેદન સાથે જોડાયેલા દસ્તાવેજો પણ તપાસ્યા છે. રેકોર્ડની તપાસ કરતા જણવા મળ્યું હતું કે, તપાસ દરમિયાન આરોપીની ભૂમિકા શું હતી એ સામે આવ્યું છે. એના પર આતંકવાદી પ્રવૃતિમાં સામેલ હોવાનો આરોપ છે. આરોપી હજુ સુધી ફરાર છે. તપાસ એજન્સી સામાન્ય રીતે કોર્ટમાં રજૂ કરવામાં સફળ થઈ નથી. આ અરજીને મંજૂરી આપવામાં આવે છે. તેથી આરોપી હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે છે. આ વોરંટ કાયદામાં દર્શાવેલી પ્રક્રિયા અનુસાર તેને બજવણી માટે DIG, NIA જમ્મુને મોકલવામાં આવે છે. અરજીનો નિકાલ કરવામાં આવે છે અને જરૂરી કાર્યવાહી બાદ તેને રેકોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આ આદેશ 8 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
આતંકવાદીને પણ ડર લાગ્યો
પાકિસ્તાન સ્થિત લશ્કર એ તોએબાનો સ્થાપક હાફિઝ સઈદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીમાંથી એક છે. ભારતીય તપાસ એજન્સી એની કસ્ટડી લેવા માટે પ્રયાસ કરી રહી છે. ભારતીય જાસુસી એજન્સીનું એવું માનવું છે કે, પાકિસ્તાનની આખી સરકારી લોબી તેને બચાવવા માટે કવર ફાયર કરી રહી છે. એના કોન્ટેક્ટ પાકિસ્તાનની આર્મીથી લઈને પાકિસ્તાનની જાસુસી એજન્સી સુધી છે. યુએનની યાદીમાં હાફિઝ એક ગ્લોબલ આતંકવાદી છે. અમેરિકાની સરકારે એના પર 10 મિલિયન ડૉલરનું ઈનામ પણ જાહેર કરી દીધું છે. પાકિસ્તાનમાં વર્ષ 2020થી 2026 સુધીમાં અનેક એવા મોસ્ટ વોન્ટેડ આતંકીવાદીઓની હત્યા થઈ છે. 30થી વધારે આતંકીઓની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ માહોલને જોતા હાફિઝ સઈઝના મનમાં પણ એવો ભય છે કે, કોઈ અજાણ્યો શખ્સ તેની હત્યા કરી શકે છે.