ગાંધીનગરઃ ગુજરાત સરકારે સવર્ણ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા મોટો ફાયદો કરાવ્યો છે. જે અંતર્ગત વિદેશ અભ્યાસ લોન યોજના માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ.10 લાખ કરવામાં આવી હતી. આ અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો.
શું છે પરિપત્રમાં
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સવર્ણ વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ કાર્યરત "વિદેશ અભ્યાસ લોન યોજના" અંતર્ગત કુટુંબની વાર્ષિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારી ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઇચ્છતા બિન અનામત વર્ગના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સહાયનો લાભ મેળવી શકે તે હેતુથી આ સુધારો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિદેશ અભ્યાસ લોન યોજના માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ.10 લાખ કરવામાં આવી હતી.
આવક મર્યાદા સિવાય વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળના અન્ય તમામ નિયમો અને જોગવાઈઓ પૂર્વવત યથાવત રહેશે. અગાઉ આ યોજના હેઠળ લાભ લેવા માટે મહત્તમ આવક મર્યાદા 6 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી. વિકસતી જાતિ કલ્યાણના નિયામક દ્વારા 15 ઓક્ટોબર 2025ના રોજ આવક મર્યાદા વધારવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારની સક્રિય વિચારણા બાદ આ સુધારાને મંજૂરી આપવામાં આવી હતી.