Sun Oct 04 2026

Logo

ગાંધીધામના નિવૃત્ત ફાયરકર્મીને સાયબર માફિયાઓએ 12 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.42 લાખ પડાવ્યા

2026-09-23 15:26:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામના નિવૃત્ત ફાયરકર્મીને સાયબર માફિયાઓએ 12 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.42 લાખ પડાવ્યા

ભુજ: સાયબર ગઠિયાઓએ હવે નિર્દોષ નાગરિકોને કાયદાનો ખોટો ભય બતાવી ‘ડિજિટલ અરેસ્ટ’ કરવાના અત્યંત જોખમી હથિયારનો ઉપયોગ ફરી શરૂ કર્યો છે. ગાંધીધામના સપનાનગરમાં રહેતા અને કંડલા પોર્ટ ફાયર બ્રિગેડમાંથી નિવૃત્ત થયેલા ૬૫ વર્ષીય વૃદ્ધને નકલી પોલીસ તેમજ સીબીઆઈ અધિકારી બની સાયબર માફિયાઓએ સતત 12 દિવસ સુધી માનસિક દબાણમાં રાખી ‘ડિજિટલ અરેસ્ટ’ કર્યા હતા. આરોપીઓએ જેલ અને બદનામીનો ડર બતાવી વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા 42 લાખની જીવનભરની કમાણી પડાવી લીધી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સમગ્ર કેસ સંદર્ભે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ચીટિંગ, એક્સટોર્શન તેમજ આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આખો કિસ્સો આવો છે
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામના સપનાનગરમાં રહેતા રામાઆશરે રાજદેવ દુબે (ઉં.વ. 65, મૂળ રહે. આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ) વર્ષ 2022માં કંડલા ફાયર બ્રિગેડમાંથી નિવૃત્ત થયા હતા. ગત 14 ફેબ્રુઆરી 2026ના રોજ તેઓ વતન યુપી ગયા હતા ત્યારે તેમના મોબાઈલ પર 'આઇપીએસ મુંબઈ' લખેલો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અજાણ્યા નંબર પરથી આવેલા વોટ્સએપ વીડિયો કોલમાં સામે ખાખી વર્દી પહેરીને બેઠેલા નકલી પોલીસ અધિકારીએ ધમકી આપી હતી કે, “તમારા નામે બીજું સિમ કાર્ડ એક્ટિવ છે, જેના પરથી એક સગીરાની છેડતી કરવામાં આવી છે.” વૃદ્ધે આવો કોઈ નંબર ન હોવાની આજીજી કરી તો ગઠિયાઓએ પેંતરો બદલી જણાવ્યું કે તમારા સામે રૂપિયા 2 કરોડના મની લોન્ડરિંગનો ગંભીર કેસ પણ દાખલ છે અને તેમાં તમારા સહિત 10 શખ્સો વોન્ટેડ છે. સાયબર ક્રિમિનલોએ વૃદ્ધને માનસિક રીતે ભાંગી નાખવા મુંબઈ પોલીસના લોગોવાળી બનાવટી એફઆઈઆરની કોપી વોટ્સએપ પર મોકલી હતી. 

વાત ન કરવા દબાણ
આ મામલો અત્યંત ગુપ્ત રાખવા અને કોઈને પણ કહેશો તો આખા પરિવારની ધરપકડ થશે તેવી ધમકી આપી હતી. ગઠિયાઓએ વૃદ્ધને દર બે કલાકે “હું સેફ છું” તેવો મેસેજ મોકલવા ફરમાન કર્યું હતું અને સતત વીડિયો કોલ ચાલુ રખાવી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા. વૃદ્ધના તમામ બેંક ખાતા ગાંધીધામમાં હોવાનું જાણીને આરોપીઓએ તેમને તાત્કાલિક યુપીથી ગાંધીધામ રવાના કર્યા હતા. સમગ્ર મુસાફરી દરમિયાન પણ તેઓ વીડિયો કોલ મારફતે સતત નજરકેદ હેઠળ રહ્યા હતા. ગાંધીધામ પહોંચ્યા બાદ ઠગોએ “તમારા નાણાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સુરક્ષિત ખાતામાં વેરિફિકેશન માટે જમા કરાવવા પડશે, તપાસ પૂર્ણ થયે તમામ રકમ પરત મળી જશે, નહીં તો બધી મિલકત જપ્ત થશે” તેમ કહી વૃદ્ધને બેંક મોકલ્યા હતા. ત્યાં આરટીજીએસ મારફતે બેંક ખાતામાંથી રૂ.18 લાખ અને રૂ.15 લાખ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. 

ડિપોઝિટ તોડાવી નાંખી
આટલેથી ન અટકતાં ગઠિયાઓએ પોસ્ટ ઓફિસમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ તોડાવી તેની રકમ પણ ઓળવી લીધી હતી. વૃદ્ધનો પુત્ર નોકરીએ જાય ત્યારે જ બંધ રૂમમાં વાત કરવા દબાણ કરાતું હતું.

છેલ્લે, સાયબર માફિયાઓએ સુપ્રીમ કોર્ટના નિયમનું બહાનું કાઢી “આરબીઆઇ માંથી રૂ.39 લાખનું રિફંડ મેળવવા રૂ.10 લાખ ડિપોઝિટ ભરવી પડશે” તેમ કહી વધુ રૂ.4 લાખ પડાવી લીધા હતા.

સતત 12 દિવસ સુધી આર્થિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ 26 ફેબ્રુઆરીના રોજ વૃદ્ધને છેતરાયા હોવાની આશંકા જતાં તેમણે સમગ્ર આપવીતી પુત્ર વિકાસને જણાવી હતી. પુત્રએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવતાં છેલ્લે ટ્રાન્સફર કરાયેલા રૂપિયા 4 લાખમાંથી રૂપિયા 2.65 લાખ સમયસર હોલ્ડ કરાવી લેવામાં સફળતા મળી હતી. ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ બી. વી. બોરીસાગરે જણાવ્યું હતું કે, અજાણ્યા નંબરધારકો અને બેંક ખાતાઓની કડીઓ મેળવી આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય