Fri Oct 09 2026

Logo

ગાંધીધામના ચકચારી વેપારી ખંડણી કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, 28.98 લાખની રોકડ અને મોબાઈલ જપ્ત

2026-08-05 11:15:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામના ચકચારી વેપારી ખંડણી કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, 28.98 લાખની રોકડ અને મોબાઈલ જપ્ત

ભુજઃ ગાંધીધામના વેપારી દિલીપ મજેઠિયાના અપહરણ અને રૂપિયા 5.55 કરોડની ખંડણી પ્રકરણમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 28.98 લાખની રોકડ અને મોંઘા મોબાઈલ સહિત કુલ રૂપિયા 30.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, વેપારીનું અપહરણ કરી તેમના દુબઈ સ્થિત ભાઈ પાસેથી વિડિયો કોલ મારફતે રૂપિયા 5.55 કરોડની ખંડણી વસૂલવામાં આવી હતી. આ કાવતરામાં અગાઉ પકડાયેલા 7 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા હતા. દરમિયાન, પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આદિપુરના વિનીત લક્ષ્મણ જાદવાણી (સિંધી), અનમોલ આનંદકુમાર નંદા (ભાનુશાલી) અને ભુજના વિશાલ ધનરાજ ગોસ્વામી નામના ત્રણ શખ્સોએ નાણાકીય વ્યવહારોમાં મદદગારી કરી હતી.

આ આરોપીઓએ વિદેશી ડોલરને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવા માટે ઓનલાઈન અલગ-અલગ ક્રિપ્ટો વોલેટથી 'દુબઈ કિંગ' નામના શખ્સને USDT મોકલી આંગડિયા મારફતે રૂપિયા 28.98 લાખ મેળવ્યા હતા. પોલીસે આ રોકડ રકમ તથા પાંચ મોબાઈલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ હાઈપ્રોફાઈલ ગુનાના મુખ્ય ત્રણ સૂત્રધારો જાવેદ અભુ સાયચા, રીઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે.

(ઉત્સવ વૈદ્ય)