Thu Oct 08 2026

Logo

વઢવાણ પાસે નદીમાં નહાવા પડેલા 4 યુવકોનાં મોત, સોલર પ્લાન્ટમાં કામ કરતા યુવકો ક્યાંના હતા ?

2026-08-08 09:30:00
Author: Mayur Patel
વઢવાણ પાસે નદીમાં નહાવા પડેલા 4 યુવકોનાં મોત, સોલર પ્લાન્ટમાં કામ કરતા યુવકો ક્યાંના હતા ?

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા મૂળ રાજસ્થાનના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા આ પાંચ મિત્રો મોરબીથી નગરા ખાતે નહાવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાના હતા.

ચાર યુવાનોનો ઊંડા પાણીમાં ગરકાવ

જોરાવરનગરના ઇન્ચાર્જ પીએસઆઈ એમ. આર. ગોહિલે જણાવ્યું કે, પાંચ મિત્રોમાંથી એક યુવક નદીની પાળે બેસીને નહાતો હતો, જ્યારે અન્ય ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કિનારે રહેલા યુવકે બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ નદીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરી ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

બાદમાં સ્થાનિકોએ એક સાથે 4 યુવકો ડૂબવા અંગે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરતા ફાયર વિભાગના તરવૈયાઓ સાથે સ્થાનિક પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી, જોકે તમામ લોકોની ભારે જહેમત બાદ પણ નદીના પાણીમાંથી યુવકોને મૃત હાલતમાં જ બહાર કઢાયા હતા.

નાહ્યા બાદ યુવકો સોમનાથ જવાના હતા

જોરાવરનગર પોલીસે ચારેય મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. નાહ્યા બાદ સોમનાથ દર્શને જવાનું આયોજન કરતા યુવકો સાથે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનો અને મિત્રોમાં શોકમાં ગરકાવ થયા.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકો મોહનરામ, જીવારામ, ખુશારામ અને રમેશ નામના યુવકો હોવાની ઓળખ થઇ છે. જેમાંથી ખુશારામ તો ગઈ કાલે જ રોજીરોટી કમાવવા માટે નગરા ગામે પહોંચ્યો હોવાની અને આજે અચાનક ડૂબી જતાં મોતના મુખમાં ધકેલાઈ ગયો હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવતા આ કિસ્સાથી રાજસ્થાનમાં મૃતકોના વતનમાં પણ માતમ છવાયો છે.