Tue Apr 21 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસ: ફેટી લીવર ભારતમાં ઝડપથી પ્રસરતો આ રોગ હકીકતમાં શું છે ?

2026-04-21 08:22:00
Author: Rajesh Yagnik
Article Image

 

 

-રાજેશ યાજ્ઞિક
 

ભારતમાં લીવરના રોગો ઝડપથી વધી રહ્યા છે. ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસ મુજબ, આપણા  દેશમાં આશરે 40 ટકા લોકો મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ ફેટી લીવર ડિસીઝ (MASLD)થી પ્રભાવિત હોઈ 

શકે છે.

લીવર આપણા શરીરનું સૌથી મોટું અંગ છે. તે આપણા શરીરને ખોરાક પચાવવામાં, ઊર્જા સંગ્રહિત કરવામાં અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે. ફેટી લીવર ડિસીઝ એ એક એવી સ્થિતિ છે જેમાં આપણા લીવરમાં ચરબી જમા થાય છે. તેના બે મુખ્ય પ્રકાર છે:

નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) અને આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, જેને આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ પણ કહેવાય છે. જેમ નામ પરથી ખબર પડે છે તેમ, NAFLD એ ફેટી લીવર રોગનો એક પ્રકાર છે જે ભારે દારૂના સેવનથી સંબંધિત નથી. તેના બે પ્રકાર છે:

સિમ્પલ ફેટી લીવર, જેમાં તમારા લીવરમાં ચરબી હોય છે, પરંતુ સોજો અથવા લીવરના કોષોને નુકસાન ઓછું અથવા બિલકુલ થતું  નથી. સિમ્પલ ફેટી લીવર સામાન્ય રીતે એટલું ખરાબ થતું નથી કે લીવરને નુકસાન કે ગૂંચવણો ઊભી કરે.

નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ (NASH),  જેમાં સોજો અને લીવર કોષને નુકસાન થાય છે, તેમજ લીવરમાં ચરબી પણ હોય છે. સોજો અને લીવર કોષને નુકસાનને કારણે લીવરમાં ફાઇબ્રોસિસ અથવા ચાંદા થઇ શકે છે. એનએએસએચ સિરોસિસ અથવા લીવર કેન્સર તરફ દોરી શકે છે.

બીજી તરફ, આલ્કોહોલિક ફેટી લીવર રોગ વધુ પડતા દારૂના ઉપયોગને કારણે થાય છે. વધારે પડતું દારૂ પિતા લોકોમાં લીવર ખરાબ થઇ ગયા હોવાની વાત આપણે ઘણી વાર સાંભળી હશે. આમ તો પિવાયેલા મોટાભાગના આલ્કોહોલને લીવર તોડી નાખે છે, તેથી તેને શરીરમાંથી દૂર કરી શકાય છે, પરંતુ તેને તોડવાની પ્રક્રિયા અન્ય હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરી શકે છે. આ પદાર્થો લીવરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે, સોજો વધારી શકે છે અને શરીરની કુદરતી સંરક્ષણ રચનાને નબળી બનાવી શકે છે. કહેવાની જરૂર ખરી કે જેટલું વધુ દારૂ પીશો, તેટલું જ તમે લીવરને વધુ નુકસાન પહોંચાડશો.

*કારણો શું હોય છે?

આલ્કોહોલીક ફેટી લીવરના કારણ તો સહુ સમજી શકે છે. નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝનું કારણ અજ્ઞાત છે. સંશોધકો જાણે છે કે તે એવા લોકોમાં વધુ સામાન્ય છે જેમને, ટાઈપ 2 ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ હોય, સ્થૂળતા હોય, લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, જેમ કે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ, કે હાઈ બ્લડ પ્રેશર હોય.

મધ્યમ વયના કે તેથી વધુ ઉંમરના લોકોમાં પ્રમાણ વધુ જોવા મળે છે, જોકે બાળકોને પણ તે થઈ શકે છે. 

કોર્ટીકોસ્ટેરોઈડ્સ અને કેન્સરની કેટલીક દવાઓ જેવી ચોક્કસ દવાઓ લેનારને આડ અસરમાં આ સ્થિતિ જોવા મળે છે. મેટાબોલિક સિન્ડ્રોમ સહિત ચોક્કસ મેટાબોલિક ડિસઓર્ડર હોય કે હેપેટાઇટિસ સી જેવા ચોક્કસ ચેપ હોય તેમને પણ આ સમસ્યા સર્જાય છે.

* લક્ષણ કેવાં હોય છે?

NAFLD અને આલ્કોહોલિક ફેટી લીવર રોગ બંને સામાન્ય રીતે થોડા અથવા કોઈ લક્ષણો વિનાના શાંત રોગો છે. બહુ બહુ તો, તમે થાક અનુભવી શકો છો અથવા તમારા પેટના ઉપરના જમણા ભાગમાં અસ્વસ્થતા અનુભવી શકો છો એટલુંજ.

નિદાન કેવી રીતે થાય?

ઘણીવાર કોઈ લક્ષણો ન હોવાથી, ફેટી લીવર રોગ શોધવાનું સરળ નથી. જો તમને અન્ય કારણોસર લીવર પરીક્ષણોમાં અસામાન્ય પરિણામો મળે તો તમારા ડોક્ટરને શંકા થઈ શકે છે. લીવર ફંક્શન ટેસ્ટ અને બ્લડ કાઉન્ટ ટેસ્ટ જેવાં પરીક્ષણો નિદાન માટે ઉપયોગમાં લેવાય છે.

ઉપચાર શું? 

ડોકટરો નોન-આલ્કોહોલિક ફેટી લીવર માટે વજન ઘટાડવાની ભલામણ કરે છે. વજન ઘટાડવાથી લીવરમાં ચરબી, સોજો અને ફાઇબ્રોસિસ ઓછી થઈ શકે છે. જો તમારા ડોક્ટરને લાગે છે કે કોઈ ચોક્કસ દવા તમારા NAFLDનું કારણ છે, તો તમારે તે દવા લેવાનું બંધ કરવું જોઈએ, પરંતુ દવા બંધ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. તમે જે દવા લેતા હો તે તરત બંધ ન કરી શકાય તો તબીબ ધીમે ધીમે દવા બંધ કરાવે છે, અથવા બીજી દવા સૂચવી શકે છે. NAFLDની સારવાર માટે કોઈ દવાઓ માન્ય નથી. હજી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે શું ડાયાબિટીસની કોઈ ચોક્કસ દવા અથવા વિટામિન ઈ મદદ કરી શકે છે, પરંતુ વધુ અભ્યાસની જરૂર છે. આલ્કોહોલિક ફેટી લીવરમાં તો સૌથી પહેલા, તાત્કાલિક દારૂનું સેવન બંધ કરવું જોઈએ. તેના માટે તબીબની સલાહની રાહ જોવાની જરૂર ખરી? 

* જીવનશૈલીમાં કયા ફેરફારો મદદ કરી શકે છે?

જો તમને ફેટી લીવરનો કોઈપણ પ્રકારનો રોગ હોય, તો જીવનશૈલીમાં કેટલાક ફેરફારો જરૂરી છે. આરોગ્યપ્રદ આહાર લો, મીઠું અને ખાંડ મર્યાદિત કરો, તેમજ પુષ્કળ ફળો, શાકભાજી અને આખા અનાજ ખાઓ. હેપેટાઇટિસ A અને B, ફ્લૂ અને ન્યુમોકોકલ રોગ માટે રસીકરણ કરાવો. જો તમને ફેટી લીવર સાથે હેપેટાઇટિસ A અથવા B થાય છે, તો તે લીવર ફેલ્યોર તરફ દોરી જવાની શક્યતા વધારે છે. ક્રોનિક લીવર રોગ ધરાવતા લોકોને ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે, તેથી અન્ય બે રસીકરણ પણ મહત્ત્વપૂર્ણ છે. નિયમિત કસરત કરો, જે તમને વજન ઘટાડવામાં અને લીવરમાં ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. વિટામિન્સ જેવા આહાર પૂરવણીઓ, અથવા કોઈપણ પૂરક અથવા વૈકલ્પિક દવાઓ અથવા તબીબી પદ્ધતિઓનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.