Fri Oct 09 2026

Logo

ચાંદખેડામાં ચોંકાવનારી ઘટનાઃ દસ મિનિટમાં ઘરઘાટી 27 લાખની ચોરી કરી નાસી ગયો

2026-08-05 19:10:34
Author: Pooja Shah
ચાંદખેડામાં ચોંકાવનારી ઘટનાઃ દસ મિનિટમાં ઘરઘાટી 27 લાખની ચોરી કરી નાસી ગયો

અમદાવાદઃ શહેરમાં ઓનલાઈન સાફસફાઈ મટે બોલાવેલા લોકોએ રૂ. 15 લાખની ચોરી કર્યાના બનાવના બીજા જ દિવસે ચાંદખેડામાં પણ ઘરનોકરોએ જ ઘરને સાફ કરી નાખ્યાનો બનાવ બન્યો છે. અહીંના ચાંદખેડા વિસ્તારમાં ઘરઘાટીએ ઘર સાફ કરવાનું કારણ આપી પાડોશી પાસેથી ઘરની ચાવી લીધી હતી અને ત્યારબાદ રૂ. 27. 50 લાખનો હાથફેરો કરી ગુલ થઈ ગયો હતો. ઘરઘાટી સાથે તેનો બનેવી પણ ચોરીમાં સામેલ હોવાના અહેવાલો છે. 

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા એક રહેવાસીની ઘરનોકર બહાર ગઈ હતી. આથી તેમણે સોસાયટીના વૉટ્સ એપ ગ્રુપમાં ઘરનોકરની જરૂરિયાત હોવાનો મેસેજ પોસ્ટ કર્યો હતો. ગ્રૂપમાં મેસેજ વાંચીને સોસાયટીની જ એક મહિલાનાં કહેવાથી સુનિલ કલાસવા નામનો યુવક કામ પર જોડાયો હતો, જેની સાથે ક્યારેક તેનો બનેવી રાજુ પણ કામ કરવા આવતો હતો.

ઘરમાલિકનો પરિવાર બહાર ગયો હતો એટલે સુનિલે પડોશની મહિલા પાસેથી ચાવી લઈ કામ કર્યું હતું. રાત્રે જ્યારે ઘરમાલિક આવ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થઈ હતી. રોકડ રકમ અને દાગીના મળી કુલ 27 લાખ આસપાસનો હાથફેરો સુનિલ કરી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી ચેક કરતા જાણમાં આવ્યું હતું કે સુનિલ 10 મિનિટમાં કામ કરી નીકળી ગયો હતો અને તેના હાથમાં થેલો હતો. પોલીસે અલગ અલગ ટીમ બનાવી બન્ને સાળા-બનેવીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.