Fri Oct 09 2026

Logo

ભાવનગરમાં ગૌશાળાઓની હડતાલથી 300 કરતા વધુ નિરાધાર ગાય સારવાર વિના રઝડી

2026-08-05 14:24:09
Author: Pooja Shah
ભાવનગરમાં ગૌશાળાઓની હડતાલથી 300 કરતા વધુ નિરાધાર ગાય સારવાર વિના રઝડી

ભાવનગરઃ જિલ્લામાં નિરાધાર તથા અકસ્માતગ્રસ્ત ગાયો અને અન્ય મૂકપશુઓની સારવારનો પ્રશ્ન દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. બીમાર પશુઓની સારવારના કારણે પોલીસ ફરિયાદો થતી હોવાના કારણસર અનેક ગૌશાળાઓ અને ગૌસેવકોએ નવા પશુઓને સ્વીકારવાનું બંધ કરતાં હાલમાં જિલ્લામાં અંદાજે ૩૫૦ જેટલી નિરાધાર ગાયો સારવારની રાહ જોઈ રહી છે. પરિણામે અનેક મૂકપશુઓની સ્થિતિ દયનીય બની છે અને પશુકલ્યાણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

આ ગંભીર સમસ્યા અંગે વાવડી, શિહોર અને રાજપરા  ગામોના સરપંચોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, નિઃસ્વાર્થ ભાવથી બીમાર ગાયો અને અન્ય પશુઓની સેવા કરતી ગૌશાળાઓ સામે સારવાર દરમિયાન પોલીસ ફરિયાદો નોંધાતી હોવાથી સંચાલકો નવા પશુઓ સ્વીકારવામાં અચકાઈ રહ્યા છે. તેના કારણે અકસ્માતગ્રસ્ત તેમજ ગંભીર રીતે બીમાર પશુઓ રસ્તાઓ પર જ રઝળી રહ્યા છે.

રસ્તાઓ પર ભટકતા પશુઓને સમયસર સારવાર ન મળતા તેમની પીડામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૪ જેટલા ગોવંશના મૃત્યુ નોંધાયા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ પરિસ્થિતિને કારણે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત રસ્તાઓ પર બીમાર પશુઓના કારણે ટ્રાફિક અવરોધ, અકસ્માતોનું જોખમ અને જાહેર આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો થયો હોવાનું જણાવાયું છે.

સરપંચોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે ગૌશાળા સંચાલકો સાથે સકારાત્મક ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવે તેમજ જિલ્લા પશુચિકિત્સક વિભાગની ટીમ દ્વારા રસ્તા પર રઝળતા બીમાર પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ નિરાધાર પશુઓના સંરક્ષણ અને સારવાર માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી મૂંગા પશુઓને અનાવશ્યક પીડામાંથી રાહત મળી શકે.