Thu Oct 01 2026

Logo

દ્રશ્યમ 3માં અક્ષય ખન્નાની અણધારી 'એક્ઝિટ', અચાનક કોને લાગ્યો ગોલ્ડન ચાન્સ?

2026-09-22 15:11:39
Author: Mumbai Samachar Team
દ્રશ્યમ 3માં અક્ષય ખન્નાની અણધારી 'એક્ઝિટ', અચાનક કોને લાગ્યો ગોલ્ડન ચાન્સ?

મુંબઈ: બોલિવૂડનો સિંઘમ એટલે કે અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 3' આવતા મહિને એટલે કે 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. જેના માટે હાલમાં જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યા છે. ફિલ્મની વાર્તા મોહનલાલની મલયાલમ ફિલ્મથી અલગ હોવાથી ચાહકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, આ વખતે ફિલ્મમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે અભિનેતા અક્ષય ખન્ના હવે ફિલ્મનો ભાગ નથી. તેની જગ્યાએ જયદીપ અહલાવતને કાસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, તે અક્ષય ખન્નાનું પાત્ર ભજવશે નહીં. ફિલ્મના ડિરેક્ટર અભિષેક પાઠકે પોતે આ અંગે માહિતી આપી છે.

તાજેતરમાં અભિષેક પાઠકે જણાવ્યું હતું કે અક્ષય ખન્નાના એક્ઝિટ બાદ ફિલ્મની ટીમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં મેકર્સે હિન્દી ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મના શૂટિંગની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી હતી. પરંતુ શૂટિંગ શરૂ થવાના માત્ર સાત દિવસ પહેલાં અક્ષય ખન્નાએ ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતના અહેવાલોમાં ક્રિએટિવ મુદ્દાઓ અને ફી અંગે મતભેદની વાત સામે આવી હતી.

હવે ‘દૃશ્યમ 3’ના ડિરેક્ટર અભિષેક પાઠકે શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલાં કાસ્ટિંગમાં આવેલા આ મોટા ફેરફાર અંગે વાત કરી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે મુશ્કેલીઓ છતાં ટીમે મૂળ શૂટિંગ શેડ્યૂલ પ્રમાણે જ આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

કેવી રીતે જયદીપ અહલાવતની કાસ્ટિંગ થઈ?

અભિષેક પાઠકે જણાવ્યું હતું કે ‘દૃશ્યમ 3’ના શૂટિંગ પહેલાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેનાથી તે નિરાશ થયો હતો. તેણે કહ્યું કે તે તેને ગભરાટ નહીં કહે, પરંતુ સમગ્ર સ્થિતિથી ટીમ ખુશ નહોતી. તેના કહેવા પ્રમાણે, તેના મનમાં સવાલ હતો કે 'આ કેવી રીતે થઈ શકે?' ત્યારબાદ અક્ષય ખન્ના માટે ખાસ લખવામાં આવેલા કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા અને તેની જગ્યાએ જયદીપ અહલાવતને કાસ્ટ કરવામાં આવ્યો હતો.

અભિષેક પાઠકે જણાવ્યું હતું કે જયારે તેણે જયદીપને ફોન કર્યો હતો. ત્યારે જયદીપે તેને પૂછ્યું હતું કે, 'કાસ્ટિંગ બદલાઈ રહ્યું છે કે પાત્ર?' તેના જવાબમાં અભિષેકે સ્પષ્ટ કર્યું કે પાત્ર જ બદલવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જયદીપે નવી સ્ક્રિપ્ટ વાંચી અને તેને પાત્ર પસંદ આવ્યું હતું. અભિષેકના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રક્રિયા માત્ર 5-6 દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી.

શું હતી મેકર્સ સામેની સૌથી મોટી મુશ્કેલી?

અભિષેક પાઠકે જણાવ્યું કે સૌથી મુશ્કેલ કામ હતું આગળ વધવાનો નિર્ણય લેવો અને આખી ટીમને કહેવું કે, 'કંઈપણ કેન્સલ કરશો નહીં. આપણે આ ફિલ્મ કરીશું.' પરંતુ નિર્ણય લીધા બાદ તેને અમલમાં મૂકવો પણ જરૂરી હતો. આ સાથે ફિલ્મના કેટલાક ભાગોને ફરીથી લખવાની જરૂર પડી હતી. અભિષેકે કહ્યું કે શું આ બધું સમયસર શક્ય બનશે તે નક્કી કરવા માટે તેણે 2-3 દિવસનો સમય માંગ્યો હતો.તેણે વધુમાં જણાવ્યું કે અજય દેવગન સાથેના જયદીપ અહલાવતના સીનનું શૂટિંગ શરૂ થવામાં માત્ર સાત દિવસ બાકી હતા. આવી સ્થિતિમાં ટીમે ઝડપથી નવા પાત્ર અને સ્ક્રિપ્ટમાં જરૂરી ફેરફાર કરીને શૂટિંગ શેડ્યૂલને આગળ વધાર્યું હતું.