Fri Oct 09 2026

Logo

સગીર દીકરી સાથે દુષ્કર્મ કરવા બદલ પિતાને આજીવન કેદની સજા

2026-07-19 19:55:12
Author: Pooja Shah
સગીર દીકરી સાથે દુષ્કર્મ કરવા બદલ પિતાને આજીવન કેદની સજા

અમદાવાદઃ સ્પેશિયલ પોક્સો કોર્ટે દીકરી સાથે દુષ્કર્મ કરવા બદલ 44 વર્ષીય પિતાને આજીવન કેદની સજા સંભળાવી હતી, તેવી માહિતી અહેવાલો દ્વારા મળી હતી. ૧૬ વર્ષની પીડિતાએ માર્ચ ૨૦૨૪માં વટવા પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે જ્યારે તેના પરિવારને તેનાં એક છોકરા સાથેના સંબંધની ખબર પડી ત્યારે તેનાં પિતાએ ગુસ્સામાં તેને માર માર્યો હતો. થોડા દિવસો પછી, તેણે તેની સાથે છેડતી અને દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું હતું અને તેને કોઈને કંઈ ન કહેવાની ધમકી આપી હતી. તેનાં પિતાના આક્રમક સ્વભાવને કારણે તેની માતા આઠ વર્ષ પહેલાં ઘર છોડીને ચાલી ગઈ હતી. 

પોલીસે પિતાની વ્યક્તિની ધરપકડ કરી હતી. ટ્રાયલ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે તેની પુત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને ખોટી ફરિયાદ નોંધાવી હતી. તેણે છોકરા સાથેના સંબંધો માટે ઠપકો આપ્યો હોવાથી તેને ફસાવવામાં આવ્યો હોવાની દલીલ પણ પિતાએ કરી હતી. 

વકીલોએ 12 સાક્ષી અને દસ્તાવેજો દ્વારા પિતાનો ગુનો સાબિત કરવા પ્રયત્ન કર્યો હતો. સ્પેશિયલ કોર્ટે પિતાને દોષી ઠેરવી આજીવન કેદ અને  રૂ. 30,000નો દંડ (દીકરીને ચૂકવવા)નો આદેશ આપ્યો હતો. આ સાથે રાજ્ય સરકારને રૂ. 7 લાખ વળતર તરીકે પીડિતાને ચૂકવવા આદેશ કર્યો હતો. 

સજા સંભળાવતા કોર્ટે કહ્યું હતું કે એક પિતા તરીકે પોતાની દીકરીઓનું રક્ષણ કરવાને બદલે, આરોપી, પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શક્યો, તેને ફક્ત ઠપકો આપવા કે હળવો માર મારવાથી પણ આગળ નીકળી ગયો અને તેના વર્તનને સુધારવાનો પ્રયાસ કરવાને બદલે, પોતાની વાસના સંતોષવા માટે તેના પર જાતીય હુમલો કરીને એક ઘૃણાસ્પદ કૃત્ય કર્યું. આવી પરિસ્થિતિઓમાં, આ પ્રકારના ગુના માટે, આરોપી કોઈ સહાનુભૂતિ કે માનવતાવાદી વિચારણાને પાત્ર નથી.