Sun Feb 15 2026

Logo

White Logo

બ્રિટિશ પાઉન્ડ અને રૂપિયો જૂના હોવા છતાં ડોલર કેમ છે ગ્લોબલ લીડર? કારણ જાણીને ચોંકી ઉઠશો...

Washington DC   4 weeks ago
Author: Darshana Visaria
Video

આપણે આપણા રોજબરોજના જીવનમાં લેવડ-દેવડમાં ચલણી સિક્કા અને નોટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વાત જ્યારે ચલણની તાકાતની આવે છે, ત્યારે અમેરિકન ડોલર એટલે કે યુએસડી (USD) હંમેશા જ બાજી મારી જાય છે. સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે ડોલર દુનિયાનું સૌથી જૂનું ચલણ નથી. દુનિયાના અનેક એવા દેશ છે કે જેમનું ચલણ ડોલર્સ કરતાં સેંકડો વર્ષ જૂના છે અને તેમ છતાં પણ વૈશ્વિક વેપાર અને ફાઇનાન્સ પર ડોલરનો દબદબો છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ...

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અમેરિકન ડોલર સત્તાવાર રીતે 1785-1792 દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો. જેની સરખામણીએ અન્ય ચલણોનો ઈતિહાસ ખૂબ જ લાંબો અને જૂનો છે. તેમ છતાં પણ ચલણી દુનિયાની અમેરિકન ડોલરનો દબદબો યથાવત જળવાઈ રહ્યો છે. આજે આ સ્ટોરીમાં આપણે આ વિશે જ જાણવાનો પ્રયાસ કરીશું. 

બ્રિટીશ પાઉન્ડઃ
વાત કરીએ સૌથી જૂના ચલણના ઈતિહાસની તો તે છે બ્રિટિશ પાઉન્ડ. બ્રિટીશ પાઉન્ડ 775 ADમાં શરૂ થયેલું આ ચલણ વિશ્વનું સૌથી જૂનું ચલણ છે જે હજુ પણ વપરાશમાં છે. બ્રિટીશ પાઉડન્ડ એ અમેરિકન ડોલર કરતાં લગભગ 1000 વર્ષ જૂનું છે.

ભારતીય રૂપિયો : 
ચલણની વાત થતી હોય અને ભારતીય રૂપિયાની વાત ના આવે તો કેમ ચાલે? શેરશાહ સુરીએ 16મી સદીમાં તેને પ્રમાણિત કર્યો હતો, પરંતુ તેના મૂળિયા 6ઠ્ઠી સદી પૂર્વેના સિક્કાઓ સુધી જોડાયેલા છે. 

આ છે અન્ય ચલણઃ
બ્રિટીશ પાઉન્ડ અને ભારતીય રૂપિયા સિવાય દુનિયાના બીજા પણ કેટલાક ચલણ છે કે જે અમેરિકન ડોલર કરતાં પણ જૂના છે. આ ચલણમાં સર્બિયન દિનાર (1214) અને 13મી સદીના રશિયન રૂબલનો પણ સમાવેશ થાય છે. 

કેમ જૂના ચલણો દબદબો ન બનાવી શક્યા?
માત્ર ઉંમરથી કોઈ ચલણ વૈશ્વિક નથી બનતું. પાઉન્ડ કે રૂપિયો લાંબા સમય સુધી પ્રાદેશિક સામ્રાજ્યો પૂરતા મર્યાદિત રહ્યા. જ્યારે તે સામ્રાજ્યો નબળા પડ્યા, ત્યારે તેમના ચલણની વૈશ્વિક અપીલ પણ ઘટતી ગઈ.

ડોલરના દબદબાના મુખ્ય કારણો
દુનિયાના સૌથી જૂના ચલણની વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે આ બધા ચલણની વચ્ચે ડોલરનો દબદબો કેમ છે એના કારણો વિશે પણ વાત કરી જ લઈએ. ડોલરનો દબદબો કાયમ છે એના કેટલાક પ્રમુખ કારણો નીચે મુજબ છે. 

બ્રેટન વૂડ્સ સમજૂતી (1944): 
બીજા વિશ્વયુદ્ધ પછી 44 દેશોએ એક નવી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા બનાવી. જેમાં ડોલરને સોના (Gold) સાથે જોડવામાં આવ્યો અને અન્ય દેશોના ચલણને ડોલર સાથે. તે સમયે વિશ્વનું 2/3 સોનું અમેરિકા પાસે હતું, જેના કારણે ડોલર સૌથી સુરક્ષિત ચલણ બન્યું.

પેટ્રોડોલર સિસ્ટમ (1970): 
અમેરિકાએ સાઉદી અરેબિયા અને અન્ય તેલ ઉત્પાદક દેશો (OPEC) સાથે સમજૂતી કરી કે તેલનો વેપાર માત્ર ડોલરમાં જ થશે. આના કારણે દુનિયાના દરેક દેશે તેલ ખરીદવા માટે ડોલરનો સંગ્રહ કરવો ફરજિયાત બની ગયો, જેણે ડોલરની માંગ કાયમ માટે વધારી દીધી.

આર્થિક અને લશ્કરી સ્થિરતા: 
અમેરિકાની મજબૂત લોકશાહી, વિશાળ અર્થતંત્ર અને શક્તિશાળી સૈન્ય રોકાણકારોને ખાતરી આપે છે કે તેમનું નાણું સુરક્ષિત છે.

છે ને એકદમ ચોંકાવનારી પણ રસપ્રદ માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...