મુંબઈ: ટીવી જગતનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે, જેમાં 'બબિતા જી' એટલે કે મુનમુન દત્તાનું નામ મોખરે છે. મુનમુન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટ દરમિયાન મુનમુને તેના લગ્ન, ગમતા છોકરાની પસંદગી અને ભવિષ્યના પ્લાન વિશે ખુલીને વાત કરી છે.
એક પોડકાસ્ટ દરમિયાન મુનમુનને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખૂબ જ સાદગીથી જવાબ આપ્યો હતો. મુનમુને જણાવ્યું કે, "મને પ્રેમમાં વિશ્વાસ છે, પરંતુ લગ્ન કરવા જ જોઈએ તે બાબતે હું હજુ સ્પષ્ટ નથી. જો મારા નસીબમાં હશે તો લગ્ન ચોક્કસ થશે, પણ હું એવી વ્યક્તિ નથી જે લગ્ન પાછળ ભાગે." તેણે વધુમાં ઉમેર્યું કે બાળપણથી તેણે ક્યારેય એવા સપના નથી જોયા કે તેના લગ્ન કેવી રીતે થશે અથવા તેનો પતિ કેવો હશે.
પોતાની પસંદગી વિશે વાત કરતા એક્ટ્રેસે જણાવ્યું કે તેને પ્રામાણિકતા ગમે છે. તેણે સ્પષ્ટ કર્યું કે તેનો થનારો પાર્ટનર દેખાવડો, હોશિયાર અને આર્થિક રીતે સધ્ધર હોવો જોઈએ. આ ઉપરાંત, તેની કોમ્યુનિકેશન સ્કિલ્સ પણ સારી હોવી જરૂરી છે. રસપ્રદ વાત એ છે કે, મુનમુને કબૂલ્યું કે અત્યારે તેને કોરિયન એક્ટર્સ પર ખૂબ જ ક્રશ છે અને તેને તેમની સ્ટાઈલ અને વ્યક્તિત્વ ખૂબ પસંદ આવી રહ્યું છે.
ઇન્ટરવ્યુ દરમિયાન મુનમુને વિદેશી પુરુષો સાથેના તેના બોન્ડિંગ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેને વિદેશી છોકરાઓ સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, કારણ કે તેમનો ઉછેર અને મુસાફરીને કારણે તેમની વિચારવાની રીત ઘણી અલગ અને વ્યાપક હોય છે. મુનમુનના મતે, વિદેશી પુરુષો મહિલાઓ સાથે ખૂબ જ સભ્યતાથી વર્તે છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે બધા ભારતીય પુરુષો ખરાબ નથી હોતા, તેના ઘણા ઈન્ડિયન મેઈલ ફ્રેન્ડસ છે જે મહિલાઓનું ખૂબ સન્માન કરે છે. પરંતુ દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે.