Sun Feb 15 2026

Logo

White Logo

ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ; અસારવાથી ઉદયપુર સિટી વચ્ચે દોડશે ટ્રેન, આ રહ્યું સમયપત્રક...

12 hours ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ભારતીય રેલ દ્વારા ગુજરાતમાં આધુનિક રેલ સેવાઓના વિસ્તરણ ની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા અસારવા–ઉદયપુર સિટી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે, જે ક્ષેત્રીય કનેક્ટિવિટીને મજબૂત બનાવવાની સાથે-સાથે મુસાફરોની સુવિધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. ભારતીય રેલ અપગ્રેડ કરાયેલા સ્ટેશનો, નવી રેલ લાઈનો અને અદ્યતન સુવિધાઓ દ્વારા ક્ષેત્રીય વિકાસ અને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું એક સશક્ત ઉદાહરણ છે.

આ ટ્રેનોમાં કેવી સુવિધાઓ રાખવામાં આવી છે?

આ અદ્યતન ટ્રેન રીક્લાઈનિંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોયલેટ, સ્વચાલિત પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન મુસાફરોને વિશ્વસ્તરીય આરામ પ્રદાન કરતા ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ આપશે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ટ્રેન નંબર 09663 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદયપુર સિટીથી 12:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:15 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે

આ સાથે ટ્રેન નંબર 26964 અસારવા-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવાથી 17:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 22:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને 10:25 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી કોચ અને એક્ઝિક્યુટિવ કોચ સહિત કુલ 8 કોચ હશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે વેબસાઇટની મુલાકાત લેવી

ટ્રેન નંબર 26964 માટે બુકિંગ 15 ફેબ્રુઆરી, 2026થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી રેલવે વિભાગની સત્તાવારની વેબસાઈટ પર મળી રહેશે. અહીંથી તમે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરવા માટે ટિકિટ લઈ શકશો. એટલું જ નહીં પરંતુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગેની અન્ય વિગતો પણ મળી રહેશે.