Sun Feb 15 2026

Logo

White Logo

રવિવારે મહા શિવરાત્રિએ ભારત-પાકનું રન-મેદાનમાં જોવા મળશે મહા તાંડવ...

Colombo   9 hours ago
Author: ajaybhai motiwal
Video

કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટના મેદાન પરનો જંગ સમગ્ર ખેલજગતમાં સૌથી ઉગ્ર અને સૌથી લોકપ્રિય મનાય છે અને એમાં પણ આ વખતે પાકિસ્તાને ભારત સામેની મૅચ રમવા વિશે જે અભૂતપૂર્વ ડ્રામા કર્યો એને લીધે રવિવાર, 15મી ફેબ્રુઆરીનો કોલંબોના ગ્રાઉન્ડ પરનો જંગ (સાંજે 7.00 વાગ્યાથી લાઈવ) સૌથી વધુ ચકચારમય થયો છે અને એમાં રવિવારે ભારતીય બૅટિંગના ઓપનિંગની તથા મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોની અગ્નિપરીક્ષા થશે.

રવિવારે કોલંબોમાં વરસાદ પડવાની 50થી 70 ટકા સંભાવના છે જે કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે બૅડ ન્યૂઝ છે. પાકિસ્તાન આ મેગા જંગમાં ઉતરવા તૈયાર થઈ ગયું છે, પરંતુ ગયા વર્ષના પહલગામના હુમલાને લક્ષમાં રાખીને ભારતમાં એવા અસંખ્ય ક્રિકેટચાહકો છે જેમણે પાકિસ્તાન સામેનો 2025ના એશિયા કપ પછી હવે આ વર્લ્ડ કપનો મુકાબલો પણ ટીવી પર ન જોવાનું નક્કી કર્યું હશે. આ ક્રિકેટલવર્સની દેશદાઝને સલામ છે, પણ મહિનાઓમાં એક વખત થતો આ મુકાબલો જોવાનું પસંદ કરનારાઓની ભાવના પણ અસ્થાને નથી.

બન્ને દેશ વચ્ચેના રાજકીય રણમેદાનમાં ભારે ધમાલ થયા બાદ હવે રન-મેદાનમાં રવિવારના મહા શિવરાત્રિના મહાપર્વ પ્રસંગે જોરદાર રસાકસી (તાંડવ) થશે. પાકિસ્તાને આ હાઇ-વૉલ્ટેજ મુકાબલાનો બહિષ્કાર કરવાનું પંદર દિવસ જે નાટક ચલાવ્યું એની તેમના ખેલાડીઓની માનસિકતા પર અસર થઈ જ હશે, કારણકે તેઓ ભારત સામેની ટક્કરને ધ્યાનમાં રાખીને આ વર્લ્ડ કપમાં પ્રવેશ્યા હશે, પરંતુ વિશ્વ કપના આરંભ પછી પણ તેમના માટે આ મહા મુકાબલા બાબતમાં લટકતી તલવાર હતી. હવે અચાનક સલમાન અલી આગાની ટીમે ભારતની વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ વિરુદ્ધ રમવાનું નક્કી થયું એટલે પાકિસ્તાની ખેલાડીઓનો રવિવારે નબળો પર્ફોર્મન્સ જોવા મળશે તો જરાય નવાઈ નહીં લાગે.

ગયા વર્ષે દુબઈના એશિયા કપમાં ભારતે પાકિસ્તાનના મોટા ભાગના આ જ ખેલાડીઓને ઉપરાઉપરી ત્રણ પરાજયની લપડાક લગાવી હતી અને હવે તેઓ કોલંબોમાં ભારત સામે જીતવાના મનસૂબા સાથે પ્રૅક્ટિસ કરી રહ્યા છે. તેઓ ઇચ્છશે કે ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા આ મહાજંગમાં ન રમે. જોકે અભિષેક ઉપરાંત ભારત પાસે ઇશાન કિશનના રૂપમાં બીજો હાર્ડ-હિટર છે અને ત્યાર પછીની બૅટિંગ લાઇન-અપ પણ મજબૂત છે. યાદ છેને, ગયા વર્ષે એશિયા કપમાં પાકિસ્તાન સામેની 28મી સપ્ટેમ્બરની ફાઇનલ ખાસ કરીને ચોથા નંબરે રમનાર તિલક વર્મા (69 અણનમ, 53 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)એ જ જિતાડી હતી. રવિવારે મિડલ-ઑર્ડરમાં તિલક ઉપરાંત હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ વગેરેની કસોટી થશે.

ખરું કહીએ તો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ઉપરાંત સમગ્ર દક્ષિણ એશિયાએ ભારત-પાકિસ્તાન મુકાબલાને શક્ય બનાવ્યો છે. અભિષેક શર્માને પેટની બીમારી નડી છે અને જો તે રવિવારે નહીં રમે તો ફિટ થઈ ગયેલા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને ઓપનિંગમાં ઇશાન કિશન સાથે મોકલવામાં આવશે તો નવાઈ નહીં લાગે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમના મેદાન પર વૉશિંગ્ટનના ઑફ-સ્પિન પણ પાકિસ્તાની બૅટ્સમેનોને મુશ્કેલીમાં લાવવા ઉપયોગી થઈ શકશે.

કુલદીપ યાદવ ભારતના મુખ્ય વિકેટ-ટેકિંગ બોલર્સમાંથી એક છે અને તેને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવા રિન્કુ સિંહ કે શિવમ દુબે કે બીજા કોઈની બાદબાકી કરવામાં આવી શકે. ભારતે આ ટૂર્નામેન્ટની પોતાની બે મૅચમાં જે બની ગયું એવું પાકિસ્તાન સામે ન બને એની ખાસ તકેદારી રાખવી પડશે. વાનખેડેમાં અમેરિકા સામે ભારત જીત્યું હતું, પણ એક તબક્કે ભારતે 77 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સૂર્યકુમારનું પોત પ્રકાશ્યું અને તેણે અમેરિકાના બોલર્સની ખબર લઈ નાખી હતી અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને અણનમ 84 રન કર્યા હતા. ત્યાર બાદ દિલ્હીમાં ભારતે નામિબિયા જેવી નાની ટીમ સામે ડેથ-ઓવર્સમાં ચાર રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

જે કંઈ હોય, ભારતીય પ્લેઇંગ-ઇલેવને ટીમ-વર્કથી તેમ જ સંગઠિત પ્રયાસોથી અને પાકિસ્તાન સામે રમી રહ્યા છીએ એવા કોઈ પણ પ્રકારના માનસિક દબાણમાં કે કરોડો લોકોની અપેક્ષાના પ્રેશરમાં આવ્યા વગર રમવું પડશે.