ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક યુવક તેની સગાઈ થાય તે પહેલા જ ફરાર થઈ ગયો હતો. પાછળથી જ્યારે ફોન કર્યો ત્યારે યુવકે ફોન ઉપાડ્યો હતો. વિગતે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક સગાઈ સમારોહમાં જોરદાર હંગામો થયો હતો. યુવકની સગાઈ હતી, તે દરમિયાન જ તેની પ્રેમિકાનો ફોન આવ્યો હતો. માત્ર પ્રેમિકાનો ફોન જ નહીં પરંતુ અન્ય પ્રેમ સંબંધો અને ગર્ભપાતના આરોપ લગતા યુવકની સગાઈ તૂટી ગઈ હતી. આ દરમિયાન યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે બબાલ પણ થઈ હતી.
સગાઈ પહેલા યુવકના પ્રેમ સંબંધની જાણ થતા વિવાદ સર્જાયો
ગોરખપુરના પીપીગંજ શહેરના એક મેરેજ હોલમાં સગાઈ સમારોહ દરમિયાન અચાનક આવી ઘટના બની. મૂળ વાત એ છે કે, એકબાજું સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી, અને બીજીબાજુ છોકરો ગાયબ થઈ ગયો હતો. જ્યારે છોકરાના ફોન પર યુવતીના ભાઈએ ફોન કર્યો ત્યારે ફોન સામે યુવકની પ્રેમિકાએ ઉપાડ્યો અને કહ્યું હું સૌરભને 6 વર્ષથી પ્રેમ કરૂં છું અને અમારૂ એફેર ચાલી રહ્યું છે. આ પછી સગાઈ પ્રસંગમાં હંગામો થયો અને સગાઈ તૂટી ગઈ હતી. સ્થિતિ એટલી વિકટ થઈ ગઈ કે, પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
ઘણા સમયથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી
મળતી વિગતો પ્રમાણે, ગુલરીહા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક યુવતીની સગાઈ ખજની પોલીસ સ્ટેશન વિસ્તારના સિયાર ટોલાના રહેવાસી સૌરભ ચૌહાણ સાથે થઈ હતી. સૌરભ ચૌહાણ ટપાલ વિભાગની ગોરખપુર રેલ મેઇલ સર્વિસમાં નોકરી કરતો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ યુવકનો પહેલાથી જ સંબંધ હોવાનું જાણવા મળતા મામલો વિવાદે ચડ્યો હતો. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત કર્યો અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.