મુંબઈ: ફેબ્રુઆરીની ગુલાબી ઠંડીમાં જ્યારે હવામાં સ્નેહની સુગંધ ભળે છે, ત્યારે કેલેન્ડરનું 14મું પાનું માત્ર તારીખ નથી રહેતું, પણ એક અહેસાસ બની જાય છે. વેલેન્ટાઈન ડે એટલે માત્ર ગિફ્ટ્સની આપ-લે નહીં, પરંતુ બે દિલોના અતૂટ બંધનનો પુનરોચ્ચાર.
આ વર્ષે ગૂગલે પણ તેના હોમપેજને રોમેન્ટિક રંગોથી સજાવ્યું છે, જે દુનિયાભરના પ્રેમીઓને સંદેશ આપે છે કે સાચો પ્રેમ કિંમતી વસ્તુઓમાં નહીં, પણ નાના પ્રયાસમાં છુપાયેલો હોય છે. ગૂગલે આ વખતે "ગિફ્ટિંગ" એટલે કે ભેટ આપવાની કળાને કેન્દ્રમાં રાખીને ખૂબ જ સુંદર આર્ટવર્ક રજૂ કર્યું છે, જેમાં હાથથી બનાવેલી વસ્તુઓ અને હૃદયસ્પર્શી સંદેશાઓ દ્વારા પ્રેમ વ્યક્ત કરવાની ભાવના દર્શાવવામાં આવી છે.
ખાસ ડૂડલ અને તેની વિશેષતા
ગૂગલ ડૂડલ આ વખતે માત્ર એક ગ્રાફિક નથી, પરંતુ એક લાગણી છે. આ વર્ષની થીમ હેન્ડમેડ ગિફ્ટ્સ, પર્સનલ નોટ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ પર આધારિત છે. ગૂગલે જણાવ્યું હતું કે, "આજનું ડૂડલ હાથથી બનાવેલી ભેટોની વિચારશીલતાને સેલિબ્રેટ કરે છે. ભલે તમે પ્રેમથી પત્ર લખતા હોવ કે કોઈના માટે ખાસ જમવાનું બનાવતા હોવ, આ દિવસ આપણે જેની કેર કરીએ છીએ તેને માન આપવાની અદભૂત તક છે." આ ડૂડલ ભારત સહિત યુકે, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, જાપાન અને તાઈવાન જેવા અનેક દેશોમાં લાઈવ કરવામાં આવ્યું છે.
ગૂગલ ડૂડલનો રોચક ઈતિહાસ
ગૂગલ દ્વારા વિશેષ પ્રસંગો કે મહાન વિભૂતિઓને સન્માન આપવા માટે હોમપેજ પર 'ડૂડલ' મૂકવાની પરંપરા વર્ષો જૂની છે. તેની શરૂઆત 1998માં થઈ હતી, જ્યારે સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને 'બર્નિંગ મેન' ફેસ્ટિવલમાં પોતાની હાજરીની જાણકારી આપવા માટે પ્રથમ ડૂડલ બનાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2000માં ફ્રાન્સના બાસ્ટિલ ડે પર પ્રથમ આંતરરાષ્ટ્રીય ડૂડલ રજૂ કરાયું અને 2010માં 'પેક-મેન'ની વર્ષગાંઠ નિમિત્તે પ્રથમ ઇન્ટરેક્ટિવ ગેમ ડૂડલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ
• "તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે એક તહેવાર છે, પણ આજનો દિવસ કંઈક ખાસ છે કારણ કે તું મારી સાથે છે. હેપ્પી વેલેન્ટાઈન ડે, વ્હાલી!"
• "શબ્દો ઓછા પડે તારા પ્રેમનું વર્ણન કરવા માટે, બસ એટલું સમજી લે કે તારા વગર મારું વિશ્વ અધૂરું છે. Happy Valentine's Day!"
• "મારું મનપસંદ સરનામું એટલે તારું હૃદય, જ્યાં હું આખી જિંદગી રહેવા માંગું છું. વેલેન્ટાઈન ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"