Fri Apr 17 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ભાજપે 144  ઉમેદવારોની યાદી જાહેર કરી, મમતા બેનર્જી વિરુદ્ધ સુવેન્દુ અધિકારી મેદાનમાં...

2026-03-16 19:34:41
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે  144  ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી  વિરુદ્ધ ફાયરબ્રાન્ડ નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જી ભવાનીપુરના વર્તમાન ધારાસભ્ય છે અને સુવેન્દુ અધિકારીને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. સુવેન્દુ અધિકારી  નંદીગ્રામથી પણ ચૂંટણી લડશે. જે મતવિસ્તારના હાલમાં ધારાસભ્ય પણ છે.  

પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન 

પશ્ચિમ બંગાળમાં  294  વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં, 152  બેઠકો માટે મતદાન ૨૩  એપ્રિલે થશે. આ  દરમિયાન  બીજા તબક્કામાં 142  બેઠકો માટે મતદાન 29  એપ્રિલે થશે. ભાજપે 144  બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 12 માર્ચે યોજાઈ હતી

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 12  માર્ચે પ્રમુખ નીતિન નવીનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ  મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય તમામ સભ્યો હાજર રહ્યા હતા. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આ 144 ઉમેદવારોના નામોને અંતિમ મંજૂરી આપી હતી.

મુર્શિદાબાદ મતવિસ્તાર માટે, ભાજપે ગૌરી શંકર ઘોષને ટિકિટ આપી 

આ યાદીમાં 11 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ મતવિસ્તાર માટે, ભાજપે ગૌરી શંકર ઘોષને ટિકિટ ફાળવી છે. બળવાખોર ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીર અહીં  બાબરી મસ્જિદની પ્રતિકૃતિ  બનાવી રહ્યા છે. તેમણે એક નવો રાજકીય પક્ષ પણ બનાવ્યો છે. પરિણામે, આ બેઠક સતત ચર્ચાનો વિષય બની રહી છે.