Mon Apr 20 2026

Logo

વિચિત્ર વીણાની સમસ્યાનો પોલીસે કેવો તોડ કાઢ્યો?

2026-04-19 17:38:23
Author: Mumbai Samachar Team
Article Image

ઊડતી વાત - ભરત વૈષ્ણવ

 ‘સાહેબ મને મદદ કરો.’ એક મહિલાએ ‘અભયમ’ હેલ્પ લાઇનનો નંબર ડાયલ કર્યો.

‘જયહિન્દ, પોલીસ સ્ટેશન અબકડથી કોન્સ્ટેબલ અમથાલાલ અડબંગ બોલું છું. હું આપની શું સેવા કરી શકું?’     

અડબંગની નમ્રતાથી મહિલા પાણીપાણી થઇ ગઇ. જો કે રિસીવર પર હાથ મૂકી અડબંગે કોઇને ડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢ ગાળ બોલી ધીમેથી બોલવા ઘાંટો પાડ્યો.

‘સર, હું મુશ્કેલીમાં છું.’

‘બેન, મુશ્કેલી જાતે સર્જી છે કે...’

‘સર, તમે મને મદદ કરો.’

‘મદદ કરવા તો અમે બેઠા છીએ. પણ તમે કોણ બોલો છો?’

‘સર, હું વીણા વિચિત્ર બોલું છું’

‘વિચિત્ર એ તમારી અટક છે કે તમારો સ્વભાવ?’

‘સર, તમેય શું? તમને હું કોઇ પણ એંગલથી વિચિત્ર લાગુ છું ?’

‘મેડમ, હું તમારો પતિ નથી. મેં તમને જોયા નથી તો હું કેવી રીતે કહી શકું કે તમે ચિત્ર છો કે વિચિત્ર?’

‘સર, તમે આડીઅવળી લપ બહુ કરો છો? મારી વાત તો સાંભળો.’

‘બોલો, હું તમારી વાત સાંભળતો નથી તો ઘાસ કાપું છું.’

‘સર,હું મારી ફરિયાદ કરું?’

‘ઓફ કોર્સ. તમારાં માબાપ તમારાં લગ્ન તમારી પસંદગીના પાત્ર સાથે કરાવી આપતા નથી?’

‘ના સર, મારાં લગ્ન મારી પસંદગી મુજબ થયા છે.’

‘તો પછી પ્રોબ્લેમ કયાં છે?’

‘એ જ તો પ્રોબ્લેમ છે.’

‘વોટ ? તમારા ગોરધનનો પગ કોઇ કુંડાળામાં પડી ગયો છે? જો એમ હોય તો હું તમને અપનાવવા તૈયાર છું. હજુ  મારા લગ્ન થયા નથી.’

‘આભાર તમારો, એવી નોબત આવી નથી. ઇન ફેકટ મારો પતિ તો કોઇ છોકરી સામે આંખ ઉઠાવીને દેખતો નથી.’

‘હઅમ્, તો તમને કોઇને પહેલી કે છેલ્લી નજરે પ્રેમ..?’

‘ના, ના . હું વિચિત્ર જરૂર છું . પરંતુ, કેરેકટરલેસ નથી. હું મારા હબી સિવાય કોઇ આડું અવળું વિચારતી નથી.’

‘તો તો મારો ચાન્સ ગયો.’ અડબંગ મનમાં બોલ્યો.

‘તમે કંઇ કહ્યું?’ વીણાએ પૂછયું.

‘તમારા સાસુ, સસરા, નણંદનો ત્રાસ?’

‘એને તો મેં ગરીબ ગધેડા જેવા સીધા કરી દીધા છે. કોઇ હોંચી હોંચી કરી શકતા નથી.’

‘તમને કોઇએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવ્યા છે?’

‘હું મારા ઘરવાળાને અધેલી પરખાવતી નથી. તો બીજા કોઇને રૂપિયા ગદરાવી દઉં તેવી ભોળી નથી.’

‘તમે કોઇ સ્પોન્ઝી સ્કિમમાં રોકાણ કર્યું હોય અને રૂપિયા સલવાઇ ગયા હોય તો હું બાર વરસનો બેઠો છું.’  

‘એવું નથી,થેંકસ. આઇ એમ ઇમ્પ્રેસ્ડ’ વીણાએ ભાવવિભોર થઇ.

‘તમારા પતિ શું ધંધોધાપો કરે છે ? નોકરી બોકરી કરે છે કે રામ રામ ભજો ? તે બેકાર તો નથી?’ અડબંગે પૂછયું.

‘માનો કે નોકરી ન હોય તો?’ વીણાએ પૂછયું.

‘મા કસમ નોકરી ન હોય તો ક્યાંક અંડર વર્લ્ડમાં શાર્પ શૂટર તરીકે સેટ કરી દઇશ. જો બહુ હિંમત ન હોય તો લોકરક્ષકમાં સેટ કરી દઇશ. આપણે ઉપર સુધી ઓળખાણ છે.’ અડબંગે ઓફર કરી.

‘થેંકસ સર. તમે તો બહુ દયાળુ છો. પરંતુ, મારો ઘરવાળો તો રાષ્ટ્રિય બેંકમાં જનરલ મેનેજર છે. મહીને અઢી લાખ રૂપિયાનું પેકેજ છે.’

‘તો તો તમારી વીસેવીસ આંગળી ઘીમાં છે. અભિનંદન મેડમ.’

 ‘વેલકમ સર. હવે આડી અવળી વાત કે પૂછપરછ પૂરી થઇ હોય તો મૂળ મુદ્ા પર આવું?’

‘મેં કયાં ના પાડી છે. તમે તમારી સમસ્યા જણાવી શકો છો. તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું અને તમારી સમસ્યા ખાનગી રહેશે .’

‘સર, મારો ઘરવાળો થોડો ટૈડ છે.’

‘એમ? તો કોઇ ગેંગસ્ટરને કહીને ઉઠાવવી લઉં?’

‘ના સર... એવું ન કરતા. મારો ઘરવાળો લાખોમાં નહીં, પરંતુ અબજોમાં એક છે.’

‘તમારી સમસ્યામાં તમારા પતિ વચ્ચે કયાંથી આવ્યો છે?’

‘સાહેબ, મારો ઘરવાળો બેંકમાં મોટો ઓફિસર છે, છતાં કામવાળો ન આવે તો કચરા કાઢવા અને પોતા મારી આપે છે.’

‘વેરી ગુડ હબી.’

‘સર પરંતુ, એ ઘરકામમાં નખરાં કરે છે. આજકાલ દિવસનાં વાસણ તો સાફ કરી નાખે છે, પરંતુ રાતનાં વાસણ સાફ કરવાની સાવ ના પાડી દે છે...’

‘તો તમે રાતનાં વાસણ ઘસી નાખો તો પ્રોબ્લેમ સોલ્વ!’  

‘હું મહિલા મોરચાની આગેવાન છું. પુરુષો મહિલાને અબળા સમજી પગના જૂતા નીચે કચડી નાખે તે કેમ ચલાવી લેવાય?’ વિચિત્ર વીણાએ વનિતા ગર્જના કરી. મતલબ કે વીણા રાતનાં વાસણ સાફ કરે તો મહિલા સશકતીકરણ આંદોલનમાં પંકચર પડી જાય.

‘તમારા પતિ રાતનાં પડી રહેલા વાસણ સવારે સાફ કરે તો શું ખાટામોળું થઇ જાય?’ અડબંગે મહત્ત્વનો મુદો રજૂ કર્યો.

‘સાહેબ, મારે સવારે છ વાગ્યે રસોઇ કરવાની હોય. રાતના વાસણ સાફ થયેલ ન હોય તો સવારની રસોઇ કેવી રીતે કરી શકું? વિચિત્ર વીણાએ સમસ્યા વિસ્તાર પૂર્વક વર્ણવી.

‘તમે તમારા ઘરનું એડ્રેસ અને કરંટ લોકેશન આ નંબર પર શેર કરો. તમારો પ્રોબ્લેમ ચપટી વગાડતાં સોલ્વ થઇ જશે.’ અડબંગે સૂચના આપી.

શું વીણાના પતિએ રાતનાં વાસણ ધોયા?રામ રામ ભજો.

માર્કેટના અહેવાલ મુજબ કહે છે કે વિચિત્ર વીણાની તકલીફથી દ્રવી જઇને જેનામાં સ્ત્રીદાક્ષિણ્ય ઠાંસી ઠાંસીને ભરેલ છે તેવા હવાલદાર અડબંગે વિચિત્ર વીણાના રાતનાં વાસણ સાફ કરી આપ્યાં છે ...વીણાબહેનને જો એની સેવા પસંદ પડશે તો આ કુંવારા કોન્સ્ટેબલે રોજ આ સેવા આપવાની તૈયારી દાખવી છે ... !