Mon Apr 20 2026

Logo

બોલો, તમે શું કહો છો?: અપેક્ષાઓને ના આંખ હોય ના કાન

2026-04-19 17:39:31
Author: જૂઈ પાર્થ
Article Image

જૂઈ પાર્થ

‘બીજલ અરે ઓ બીજલ, આજે બે શાક ના બનાવ્યા? બેટા, તમને ખબર તો છે કે બે શાક ના હોય તો પપ્પાને ખાવાનું ગળે નથી ઊતરતું. તમારા લગ્નને છ મહિના થઈ ગયા, હવે તો આટલી ખબર હોવી જોઈએ ને?’

બીજલનાં સાસુ ગરિમાબહેને ટકોર કરી. એટલામાં પાડોશી મોટું પ્રેશર કૂકર લેવા આવ્યાં. બીજલે કહ્યું કે ‘અમારા ઘરમાં નથી...’ 

બીજલની ના સાંભળતા જ પાડોશીએ એને ટોણો માર્યો કે ‘લે, એક મોટું કૂકર નથી તમારી પાસે?’ 

એવામાં બીજલનાં પિયરમાં લગ્ન પ્રસંગ હતો એમાં એના સસરાને તાવ આવ્યો. બીજલ એમને જમાડીને દવા આપીને પ્રસંગમાં જવા નીકળી તો સાસુને વળી પાછું ખરાબ લાગ્યું કે પપ્પાની તબિયત નથી સારી, એક પ્રસંગમાં હાજરી ના આપો તે ચાલે ને? આમ, બીજલ દર મિનિટે અપેક્ષાઓનાં બોજ નીચે દબાતી રહી.

મહિત એકવાર ઓફિસથી પાછા આવતાં મિત્રો સાથે બહાર જમીને આવ્યો. જેવું ઘેર આવીને એણે પત્ની નિશાને કહ્યું તો નિશા તડૂકી કે જમવાના નહોતા તો પહેલેથી કહેવું જોઈએ, રસોડાની ગરમીમાં કામ કરી જુઓ એટલે ખબર પડે, વગેરે. બીજા દિવસે નોકર ના આવ્યો. નોકરીની સાથે આખા ઘરનું કામ નિશાનાં માથે આવ્યું, એણે મહિતને ખાલી વોશિંગ મશીન ચાલુ કરવા કહ્યું એ પણ મહિત ભૂલી ગયો. ઘરનાં બીજા કોઈ કામમાં પણ મહિતે મદદ ના કરી. છેવટે નિશાનો ગુસ્સો ગયો અને મહિત સાથે બોલવાનું થઈ ગયુ. નિશાની નાની - મોટી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું.

આ બધી તો થઈ ઘરની વાત છે...સામાજિક અપેક્ષાઓ અલગ સ્તરે કામ કરતી હોય છે. પંકિલનો મૂડ નહોતો અને એ ભાઈબંધની બર્થ- ડે પાર્ટીમાં ના ગયો. ભાઈબંધે ખરાબ લગાડીને બે મહિના સુધી પંકિલ સાથે વાત ના કરી. એકવાર બિઝનેસ મીટિંગનાં કારણે કુટુંબમાં લગ્ન પ્રસંગે હાજરી ના આપી તો કાકીએ પંકિલને એટલા ટોણા માર્યા કે પેલા બિચારાને માફી માંગવી પડી. પંકિલ એનાં દીકરાની શાળાનાં એન્યુઅલ ફંક્શનમાં જવા નીકળ્યો અને કારમાં પંચર પડ્યું. એ પહોંચ્યો ત્યાં સુધી દીકરાનું પરફોર્મન્સ પૂરું થઈ ગયું હતું. સાત વર્ષનાં દીકરાને ખબર પડી કે પપ્પાએ પરફોર્મન્સ નથી જોયું તો એ દુ:ખી થઈ ગયો.

જીવનમાં કેટલીકવાર એવું બને છે આપણે ધાર્યું હોય અને ઈચ્છું હોય એમ થઈ નથી શકતું. પરિસ્થિતિઓનું નિર્માણ જ એ રીતે થાય કે એમાં કોઈનો વાંક કાઢવો અન્યાયી ગણાય. જો કે હંમેશાં પરિસ્થિતિને જવાબદાર માનવી પણ ભૂલ ભરેલું છે. ક્યારેક સમયની અયોગ્ય ગોઠવણ, ક્યારેક આળસ તો ક્યારેક સ્વભાવ તો ક્યારેક ઈરાદાનાં કારણે પણ લોકોની અપેક્ષાઓ પર ઉણા ઉતરાતું હોય છે 
.  
સમયસર ઓફિસ પહોંચવાની બોસની અપેક્ષા યોગ્ય કહી શકાય, પરંતુ કોઈ કારણસર પાંચ-દસ મિનિટ આઘીપાછી થાય ત્યારે સમયબદ્ધતાની અપેક્ષા ના કરી શકાય.

અપેક્ષાનો ભાર વધવા માંડે ત્યારે સૌથી પહેલાં સંબંધો ડૂબવાની શરૂઆત થાય છે. કોઈપણ વ્યક્તિ પોતાની આસપાસનાં લોકોની બધી જ અપેક્ષાઓ પર ખરું નથી ઊતરી શકતું. અપેક્ષાઓ કરનારની અને પૂરી કરનારની વિચારધારા એક જેવી હોય તો જીવન સરળ બની જાય છે. બાકી બંને પક્ષે અતિશય દબાણની લાગણી હોય એવું પણ બની શકે.

અપેક્ષાનો જન્મ અધિકાર, ફરજ, જીદ, લાગણી, મદદ, ના ન પાડવાની ટેવ વગેરેમાંથી થાય છે. પોતાની વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખવી કે નહીં અને કેટલી રાખવી એ અંગત બાબત છે, પરંતુ કોઈવાર અપેક્ષાઓનો ભાર એટલો તો વધી જાય છે કે અપેક્ષા જ ઉપેક્ષાનું કારણ બને છે.

આ વિશે બોલો, તમે શું કહો છો?