નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી દ્વારા નવી દિલ્હીમાં 10 ઓકટોબરના રોજ સીઇસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન યોજવાના છે. ત્યારે હવે સીજેપીના આંદોલન વિરોધ કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. જેમાં સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર રિન્કુ યાદવ જે કુમુદ રાવ તરીકે પણ ઓળખાય છે. તેમણે કુસ્તીબાજો અને જિમમાં જતાં લોકોને લાઠીઓ સાથે ગુરુગ્રામમાં એકત્ર થવા અપીલ કરી છે.
સીજેપીના સભ્યો કોઈ મુશ્કેલી ઉભી કરશે તો લાઠીનો ઉપયોગ કરશે
રિન્કુ યાદવે હાલમાં બહાર પાડેલા વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ શનિવારે ચોક્કસપણે જંતર-મંતર જશે. તેમણે અન્ય લોકોને પણ ગુરુગ્રામમાં એકઠા થઈને ત્યાં સાથે જવાની અપીલ કરી છે. રિન્કુએ સ્પષ્ટ કર્યું છે કે સીજેપીના સભ્યો કોઈ મુશ્કેલી ઉભી કરશે તો જ તેઓ લાઠીનો ઉપયોગ કરશે. જો તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો રજૂ કરે તો તેમને કોઈ વાંધો નથી.
સૌરભ દાસે આક્ષેપ કર્યો સરકાર ગૃહ યુદ્ધ જેવી સ્થિતી ઉભી કરવા માંગે છે
સોશિયલ મીડિયા પર 4,50,000 ફોલોઅર્સ ધરાવતા રિન્કુ યાદવે છેલ્લા કેટલાક દિવસોમાં વીડિયોની એક શ્રેણી બહાર પાડી છે. જેમાં તેમણે લોકોને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) વિરુદ્ધ જંતર-મંતર ખાતે એકત્ર થવા માટે આહ્વાન કર્યું છે. તેમનો એક વીડિયો વાઇરલ થયો છે.જેમાં તેઓ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના કુસ્તીબાજો અને જિમમાં જતા લોકોને લાઠીઓ સાથે જંતર-મંતર પહોંચવા માટે કહી રહ્યા છે. રિન્કુનો વીડિયો શેર કરતા, CJPના સહ-સંયોજક સૌરભ દાસે આક્ષેપ કર્યો હતો કે સરકાર નાગરિકોને એકબીજાની વિરુદ્ધ ઊભા કરીને અશાંતિ ફેલાવવાનો ઈરાદો ધરાવે છે. દાસે આને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.