Tue Apr 21 2026

Logo

માનવતા મરી: એર ઈન્ડિયા દુર્ઘટનામાં પરિવાર ગુમાવનાર ભારતીય વ્યક્તિને બ્રિટન છોડવા આદેશ

London   2026-04-21 22:21:03
Author: Devayat Khatana
Article Image

લંડન: એર ઈન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનામાં પત્ની અને બે વર્ષની દીકરીને ગુમાવનાર ભારતીય વ્યક્તિ મોહમ્મદ શેઠવાલાને બ્રિટન સરકારે 22 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. જો તેમણે આ સમય મર્યાદા સુધીમાં દેશ નહિ છોડે તો તેમને દેશનિકાલ કરી દેવામાં આવશે. આ નિર્ણયની બ્રિટનમાં ખૂબ જ ટીકા થઈ રહી છે અને ગૃહ મંત્રાલયની સંવેદનહીનતાને લોકો વખોડી રહ્યા છે. 

મીડિયામાં કરેલા અહેવાલો અનુસાર, મોહમ્મદ શેઠવાલા તેમના પત્નીના સ્ટુડન્ટ વિઝાના આધારે બ્રિટનમાં રહી રહ્યા હતા. બ્રિટનના ગૃહ મંત્રાલયે તેમના વિઝાને લંબાવવાની અરજીને નકારી દીધી છે, તેમને હાલ ઈમિગ્રેશન બેલ પર છોડી દેવામાં આવ્યા છે. જો કે મોહમ્મદ શેઠવાલાએ સરકારના ચુકાદાને સ્વીકારવાની મનાઈ કરી હતી. 

જૂન 2025માં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયા ફ્લાઇટ 171 ટેક ઓફ થયાની સેકન્ડોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઇ હતી, આ દુર્ઘટનામાં લગભગ 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં શેઠવાલાના પત્ની સાદીકાબાનૂ તપેલીવાલા અને તેમની બે વર્ષની દીકરી ફાતિમાનું પણ મૃત્યુ થયું હતું. 

અહેવાલો અનુસાર, શેઠવાલા માર્ચ 2022માં તેમની પત્ની સાથે યુકે ગયા હતા. તેમની પત્ની લંડનની અલ્સ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. બાદમાં આ દંપતીને એક પુત્રી ફાતિમાનો જન્મ થયો. અકસ્માત પહેલા, સાદિકબાનુ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ હેઠળ યુકેમાં પોતાની કારકિર્દી બનાવવાનું આયોજન કરી રહી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં મોહમ્મદે જણાવ્યું હતું કે, તે અને તેમના પત્ની ખૂબ જ આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે અને બ્રિટેન જવા માટે તેમના પાડોશીએ પૈસા જમા કરી આપ્યા હતા. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જ્યારે તેઓ જૂનના અંતમાં બ્રિટન પરત ફર્યા ત્યારે તેઓ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડ્યા હતા કારણ કે એકસમયે તેમનું ઘર પત્ની અને નાની દીકરીથી ભર્યું ભર્યું હતું અને હવે ઘરમાં પહેલા જેવુ કશું જ નહોતું. તણાવને કારણે હું રાતે સૂઈ પણ શકતો નહિ. એર ઈન્ડિયાએ તેઓને નોકરીની ઓફર કરી હતી પરંતુ વિઝા પૂર્ણ થવાના હોવાથી તે તક છોડવી પડી હતી અને તેઓ ડિલિવરી ડ્રાઈવરની નોકરી કરતાં હતા. 

મોહમ્મદે કહ્યું હતું જો તેમની પત્ની જીવિત હોત, તો તેમને બ્રિટનમાં રહેવાની મંજૂરી મળી હોત. જો તેમની પુત્રી જીવિત હોત, તો તેઓ અનિશ્ચિત સમય માટે રહી શક્યા હોત, પરંતુ બંનેનું અવસાન થયું છે. તેમણે ગૃહ કાર્યાલય પર નિષ્પક્ષ ન રહેવાનો આરોપ લગાવ્યો અને નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી હતી. ગૃહ કાર્યાલયે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે મોહમ્મદને રહેવાનો અધિકાર નકારવામાં આવ્યો હતો કારણ કે તેમનો પરિવાર ભારતમાં છે અને તેઓ ભારતીય ભાષા બોલે છે.