અમદાવાદ/નવી દિલ્હીઃ ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હીટવેવની સંભાવના છે. ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને સિક્કિમ સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં લૂનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ યુપી, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 23 એપ્રિલ સુધી હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, પૂર્વ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, રાયલસીમા, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
રાજ્યમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ અલગ-અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. વાતાવરણમાં પલટાની શક્યતાના કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આજે અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
🔥 Heatwave Alert | IMD Update (19–23 April)
— India Meteorological Department (@Indiametdept) April 19, 2026
Heatwave conditions are very likely over several parts of Northwest, Central & East India in the coming days.
📍 19–20 April : West Madhya Pradesh, Vidarbha, Chhattisgarh
📍 19–23 April: East Uttar Pradesh, East Rajasthan, East… pic.twitter.com/WPpwYvJ6JO
હવામાન વિભાગે જણાવ્યું કે, 20 એપ્રિલે ઝારખંડ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, આસામમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30-50 કિમી ઝડપે પવન ફૂંકાશે. 20-30 એપ્રિલ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. બિહારમાં 23 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 50-70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં 23 એપ્રિલ સુધી હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક હિસ્સામાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં, 19-23 એપ્રિલ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશમાં, 20-23 એપ્રિલ પશ્ચિમ રાજસ્થાન, 21-23 એપ્રિલ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશામાં હીટવેવની આગાહી કરી છે.