Tue Apr 21 2026

Logo

દિલ્હીમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: પાકિસ્તાની હેન્ડલરના ઈશારે મોટી હોટેલ પર હુમલાનો પ્લાન બનાવ્યો નિષ્ફળ

2026-04-21 16:03:37
Author: Devayat Khatana
Article Image

સ્પેશિયલ સેલે ગ્વાલિયરના બે શખસની કરી ધરપકડ, ગુજરાત અને પંજાબ સુધી ફેલાયેલા છે આતંકી મોડ્યુલના તાર

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની કાવતરાનો પર્દાફાશ કરીને રાજધાની અને NCRમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં તંત્રને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા ગેંગસ્ટર અને ISIના કથિત પ્રોક્સી શહજાદ ભટ્ટીના નિર્દેશ પર કામ કરી રહેલા બે યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ દિલ્હીમાં ફાયરિંગ, ગ્રેનેડ એટેક અને ટાર્ગેટ કિલિંગ જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ ગુપ્તચર એજન્સીના સમયસરના ઇન્પુટના કારણે મોટી જાનહાનિ ટળી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના રહેવાસી 21 વર્ષીય રાજવીર અને 19 વર્ષીય વિવેક બંજારા તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે રાજવીર સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર 'રાણા ભાઈ'ના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેને શહજાદ ભટ્ટીના નેટવર્ક સાથે જોડ્યો હતો. પોલીસે બે તબક્કામાં કાર્યવાહી કરી 16 એપ્રિલના ગ્વાલિયરથી વિવેકને અને 18 એપ્રિલે દિલ્હીના સરાય કાલે ખાં વિસ્તારમાંથી મુખ્ય સૂત્રધાર રાજવીરને ઝડપી પાડ્યો હતો.

આ મોડ્યુલના તાર પંજાબ અને ગુજરાત સુધી ફેલાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાની હેન્ડલરોના આદેશ પર વિવેક માર્ચ 2026માં હથિયાર લેવા અમદાવાદ આવ્યો હતો, જોકે ત્યાં ડિલિવરી થઈ શકી નહોતી. ત્યારબાદ 9 એપ્રિલે તેઓ અમૃતસર ગયા હતા, જ્યાંથી મેળવેલા હથિયારો વડે પંજાબના જીરકપુર સ્થિત એક ક્લબ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનાહિત કૃત્યનો વીડિયો બનાવી પાકિસ્તાની આકાઓને મોકલવાનો તેમનો ઈરાદો હતો, જેથી દહેશત ફેલાવી શકાય.

પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, જીવતા કારતૂસ અને ડિજિટલ પુરાવા તરીકે વાંધાજનક વોઈસ નોટ્સ અને ચેટિંગ જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે રાજવીર દિલ્હીની કોઈ જાણીતી મોટી હોટેલ પર હુમલો કરવાની છેલ્લી તૈયારીમાં હતો. હાલમાં સ્પેશિયલ સેલ આ આખા નેટવર્ક, તેને મળતું ફંડિંગ અને ભારતમાં સક્રિય અન્ય સ્લીપર મોડ્યુલ્સ વિશે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.