Sun Apr 26 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેશે તો અનેક દેશની ઈકોનોમીને સીધી અસર, જાણો નિષ્ણાંતનો મત

2026-04-25 22:07:05
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જતા ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન પર માઠી અસર થઈ છે.  ગ્લોબલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો હતો. હજુ પણ સ્થિતિ એવી છે કે, પૈસાની દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ હજુ પણ પોતાનો જૂનો સ્ટોક ઉપયોગમાં લઈ રહ્યા છે. નિષ્ણાંતોના મત અનુસાર ક્રૂડ ઓઈલની સપ્લાયમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આગળના સમયમાં જો હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ખુલતો નથી તો લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

સરકાર મોટું પગલું લઈ શકે
વધતી જતી ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય સ્તરની કિંમતને કારણે સરકાર કોઈ મોટું પગલું લઈ શકે છે. ઈમરજન્સીની સ્થિતિમાં જેટલું તેલ હોવું જોઈએ એના કરતા સ્ટોક તો વધારે છે પણ ક્યાં સુધી રીઝર્વ રહેશે એ કહેવું કઠિન છે. એશિયાના પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં ઈરાન અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધની સીધી અસર જોવા મળી છે. સીઝફાયર બાદ સ્થિતિ થોડી થાળે પડી હતી એવામાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ફરી ચિંતામાં વધારો થયો હતો. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના રિપોર્ટ અનુસાર આ મહિને તેલની વૈશ્વિક માંગમાં ગત પાંચ વર્ષની સૌથી મોટી ઘટ જોવા મળી છે. 

ટ્રાંસપોર્ટને સીધી અસર
આ સંકટની સીધી અસર ટ્રાંસપોર્ટ અને એવિએશન સેક્ટર પર પડી છે. યુરોપ અને અમેરિકાની કેટલીક એરલાઈન્સે પોતાના ઑપરેશન બંધ કરવા પડ્યા છે.  પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટા દેશમાં વધારો જોવા મળ્યો છે. જેની સીધી અસર જે તે દેશના ગ્રાહકો પર થઈ રહી છે. અમેરિકામાં જ પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. આ કારણે સ્ટોક કરનારા એકમોને ઝડપથી એટલી મોટી રકમનું એંધાણ કરવું પોસાય એમ નથી. સૌથી વધારે ચિંતા ડીઝલને લઈને છે કારણ કે, ડીઝલ સમગ્ર દુનિયામાં સપ્લાય ચેઈનની કરોડરજ્જૂ સમાન છે. ટ્રક, મશીન અને ઈન્ડસ્ટ્રીના પાર્ટથી લઈને પ્રોજેક્ટ સુધી બધુ ડીઝલ પર નિર્ભર છે. ડીઝલનો સ્ટોક સતત ઘટે છે તો ટ્રાંસપોર્ટ અને સામાન બન્ને મોંઘા થઈ શકે. 

અનેક દેશની ઈકોનોમીને અસર
હાલાત સુધરશે નહીં તો ક્રૂડની કિંમતમાં હજુ પણ વધારો શક્ય છે. નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે, હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહ્યું તો અનેક દેશની ઈકોનોમિને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નુકસાન થઈ શકે છે. મંદી ઊભી થઈ શકે છે. હાલમાં અનેક એવા દેશ છે જે સપ્લાય સામે સ્ટોક પર ફોક્સ વધારે કરી રહ્યા છે. બીજી તરફ આર્થિક સુસ્તીનો સામનો કરવો પડી શકે છે.