Fri Apr 17 2026

Logo

શેરબજારમાં આજે કડાકો કે ઉછાળો?

2026-03-10 08:26:00
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સોમવારના જબરદસ્ત ધોવાણ બાદ નીચી સપાટી સામે સહેજ સુધારો પણ જોવા મળ્યો હતો. મંગળવારે સૌની નજર અમેરિકા અને ઇઝરાયલ સાથે ઇરાનના વલણ પર પણ મંડાયેલી રહેશે. જો ધમાસાણ યુદધ ચાલુ રહેશે તો મંગળવારે પણ શેરબજારમાં મોટા કડાકા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા જોવા મળે એવી સંભાવના છે.

જોકે તાજા અહેવાલ અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ જલ્દી સમાપ્ત થશે એવા સંકેત આપ્યા છે અને તેને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સાતેક ટકા જેટલા કડાકાના અહેવાલ છે તે જોતા શેરબજારમાં પુલબેક રેલીની શક્યતા પણ છે. પરંતુ દિશાસૂચક કુકડા જેવા ટ્રંપની વારંવાર બદલાતી નીતિ વિશે કશું કહી ના શકાય! 

યુદ્ધ વહેલું સમાપ્ત કરવા અમેરિકા વધુ આક્રમક હુમલા કરે એ શક્ય છે. પશ્ર્ચિમ એશિયામાં વણસતી પરિસ્થિતિને કારણે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા જોરદાર ઉછાળા પાછળ શેરબજારમાં જબરદસ્ત ધોવાણ જોવા મળ્યું હતું. નિફ્ટીએ ૨૪,૦૦૦ની સપાટી માંડ ટકાવી છે અને નિષ્ણાતો આગામી સત્રમાં વધુ કડાકાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ક્રૂડના ઉછાળા, રૂપિયાના કડાકા અને એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે મંગળવારે સેન્સેક્સ ૨૪૯૪.૩૮૫ પોઇન્ટ અથવા તો ૩.૧૬ ટકાના કડાકા સાથે ૭૬,૪૨૪.૫૫ પોઇન્ટની નીચી સપાટી સુધી પટકાઇને સત્રને અંતે ૧૩૫૨.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૭૧ ટકાના કડાકા સાથે ૭૭,૫૬૬.૧૬ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૪૨૨.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૭૩ ટકાના ઘટાડા સાથે ૨૪,૦૨૮.૦૫ની સપાટીએ સ્થિર થયો હતો.

વિદશી ફંડોની એકધારી વેચવાલી બજારને સતત તોડી રહી છે. એફઆઇઆઇએ મહિનો શરૂ થયાના માત્ર ચાર સત્રમાં રૂ. ૨૧,૮૦૦ કરોડના શેર વેચ્યા છે. નોંધવું રહ્યુ કે માર્ચના માત્ર ચાર સત્રમાં સેન્સેક્સ ત્રણ ટકાનો તોતિંગ કડાકો જોવા મળ્યો છે. વ્યાપક બજારમાં પણ વેચવાલીનું મોટું દબાણ રહ્યું હોવાથી બીએસઇ મિડકેપ, સ્મોલકેપ અને લાર્જકેપ શેરઆંક પ્રત્યેક અઠવાડિયા દરમિયાન ત્રણ ત્રણ ટકા ગબડ્યા હતા.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સતત ત્રીજા સપ્તાહમાં વેચવાલીનો સિલસિલો ચાલુ રાખતા પાછલાં સપ્તાહે ૨૧,૮૩૧.૧૯ કરોડ રૂપિયાના ઇક્વિટી વેચ્યા હતા. દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ અઠવાડિયા દરમિયાન ૩૨,૭૮૬.૯૨ કરોડ રૂપિયાના ઇક્વિટી ખરીદ્યા હતા.
અખાતી દેશોમાં યુદ્ધ વધુને વધુ તીવ્ર બનતું જઇ રહ્યું છે અને બંનેમાંથી કોઇ પક્ષ પીછેહઠ કરવા તૈયાર નથી એવા સંજોગોમાં ગ્લોબલ ઇકોનોમીને મોટો ફટકો પડવાની આશંકા છે. ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નિફ્ટી માટે ૨૩,૭૦૦ની સપાટી નિર્ણાયક છે, જ્યાં પુલ બેક રેલી તેને ૨૪,૪૦૦ સુધી લઇ જઇ શકે છે. જો આ સપાટી તૂટશે તો બેન્ચમાર્ક ૨૩,૨૦૦ સુધી નીચે ખાબકી શકે છે.
ઈરાન અને ઇઝરાયલ-યુએસ વચ્ચેના યુદ્ધની ભીષણતામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે જબરો ઉછાળો આવ્યો હતો અને તે બેરલ દીઠ ૧૨૦ ડોલર સુધી પહોંચી ગયું હતું. એ જ સાથે ડોલર સામે રૂપિયો નવી ઐતિહાસકિ નીચી સપાટીએ પટકાવાને કારણે મેક્રોઇકોનોમિક્સ પર ચિંતા વધી જવાથી વેચવાલીનું દબાણ તીવ્ર બની રહ્યું છે.

હજુ સુધી અમેરિકા-ઈરાન યુદ્ધમાં તણાવ ઓછો થવાના કોઈ સંકેત નથી. દરમિયાન, કુવૈત, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાક અને કતારે તેમના ઓઇલ ઉત્પાદનમાં આંશિક બંધની પુષ્ટિ કરી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે કતારે બુધવારે ગેસ નિકાસ પર જાહેર કરેલી બંધીને કારણે ગ્લોબલ માર્કેટમાં ગેસની અછત સર્જાશે કારણ કે કતાર ગ્લોબલ લિક્વિફાઇડ નેચરલ ગેસનો વીસ ટકા હિસ્સો સપ્લાય કરે છે. આ બધા ટ્રિગર્સ સંકેત આપે છે કે આગામી થોડા સત્રોમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલર સુધી પહોંચી શકે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત સરકારને કથિત રીતે આપવામાં આવેલી એક મહિનાની છૂટ બાદ, બજારનો અંદાજ છે કે અમેરિકન વહીવટીતંત્ર પણ માને છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ એક મહિનામાં સમાપ્ત નહીં થાય.

ઓઇલના ભાવમાં સતત વધારો ભારતની ખાધ તથા ફુગાવો વધારીને આરબીઆઇના નાણાકીય વલણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. અમેરિકાના દસ વર્ષના બોન્ડની યીલ્ડમાં વધારા અને ડોલરની મજબૂતીએ એફઆઇઆઇને સ્થાનિક ઇક્વિટી તરફ રિસ્ક ઓફ અભિગમ અપનાવવા માટે પ્રેરિત કર્યા છે.