Sat Apr 25 2026

Logo

Paytmને બેંકને લાગ્યો મોટો ઝટકોઃ આરબીઆઈએ કેન્સલ કર્યું લાઈસન્સ, કારણ પણ જાણી લો

2026-04-24 21:05:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પેટીએમ પેમેન્ટ બેંકનું લાઇસન્સ રદ્દ કરી દીધું છે. આ કારણે કંપનીને એક મોટો ફટકો લાગ્યો છે. મધ્યસ્થ બેંકે આજે એક મોટો નિર્ણય કરતા પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ્દ કરી દીધું, પોતાના સત્તાવાર નિવેદનમાં એવી પણ સ્પષ્ટતા કરી કે, હવે પેટીએમ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કોઈ જ પ્રકારનું બેંકિંગલક્ષી કામ કરી શકશે નહીં. આનો અર્થ એ થયો કે, બેંક હવે નવા અને જૂના ગ્રાહકો માટે સામાન્ય બેંકિંગ સેવા નહીં આપી શકે.

શરતોનું પાલન ન કર્યું
કેન્દ્રીય બેંકના એક રિપોર્ટ અનુસાર, પેટીએમ પેમેન્ટ બેંકનું કામકાજ અને મેનેજમેન્ટ સામાન્ય પ્રજાના હિતમાં નહોતું. આ સાથે બેંકે પોતાના પેમેન્ટ લાઇસન્સ સાથે જોડાયેલી કેટલીક શરતોનું પણ પાલન કર્યું ન હતું. મધ્યસ્થ બેંકે આ પહેલા પણ બેંક પર કડક પગલાં લીધા હતા. 11 માર્ચ 2022થી બેંકને નવા ગ્રાહક સાથે ક્નેક્ટ થવાનું બંધ કરાવી દીધું હતું.  આ પછી તો બેંક પર અનેક પ્રકારના પગલાં લેવાયા હતા. મનાઈ જાહેર કરવામાં આવી હતી. ખાતામાં પૈસા જમા કરવા, ક્રેડિટ કરવા, વોલેટમાં ટોપઅપ કરવા જેવા અનેક કામકાજ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. હવે લાઇસન્સ રદ્દ થયા બાદ પેટીએમ પેમેન્ટ બેંકનું ભાવિ સંપૂર્ણ રીતે અનિશ્ચિત થઈ ગયું છે. 

ગ્રાહકો પર આંશિક અસર
આની અસર હવે ગ્રાહકો ઉપર  પણ પડવાની છે. સતત નિયમોના ઉલ્લંઘનને કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંક (PPBL) પર કડક પ્રતિબંધો લાદ્યા છે. કેવાયસી (KYC) પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને ડેટા સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે. જોકે, ગ્રાહકો તેમના ખાતામાં રહેલી બાકી રકમનો ઉપયોગ કરી શકે છે, પરંતુ નવી સુવિધાઓ પર પ્રતિબંધ હોવાથી કરોડો યુઝર્સ અને વેપારીઓ પર તેની સીધી અસર પડી છે. પે સિસ્ટમ બંધ નહીં થાય પણ બેંક દ્વારા કોઈ પણ પ્રકારની નવી સિસ્ટમ તૈયાર કરવા પર બેંકે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે.