રાજકોટ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના પગલે રાજકોટ મહાપાલિકા પણ આ દિશામાં આગળ વધી રહી છે. આગામી દિવસોમાં મનપાના ડામર રોડ હોય કે બ્રીજ જેવા કોઇ પણ બાંધકામ પ્રોજેકટ, સાઇટ પર કોન્ટ્રાકટરની તમામ વિગતો મુક્વા નિયમો લાગુ કરવામાં આવશે તેમ રાજકોટના મેયર ડો.નેહલ શુકલે જણાવ્યું હતું. મહાનગરમાં અવારનવાર રસ્તા તૂટવા, અનેક પ્રોજેક્ટ વિલંબમાં પડવાથી લોકો હેરાન થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટરોનું શું થાય છે અને શું પગલા લેવામાં આવે છે તે લોકોને જાણવા મળતું નથી. પ્રજાના પૈસે થતા કામમાં વિલંબ કે ક્ષતિ બદલ આ કામ કરનાર એજન્સી કોણ છે, કેટલો ખર્ચ, કેટલી મુદત સહિતની બાબતો પારદર્શક રહેવી જરૂરી છે.
સાઈટ પર ખાસ પ્રકારના બોર્ડ મૂકાશે
આથી હવે રાજકોટમાં પણ સાઇટ પર આવા બોર્ડ મુકવા તુરંતમાં સૂચનાઓ જાહેર કરવામાં આવશે. તે બાદ કોન્ટ્રાક્ટરના નામ સાથેની તકતી મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે જનરલ બોર્ડ પહેલા વોર્ડ નં.9ના ભાજપના કોર્પોરેટર જાનકીબેન જીતુભાઇ બોર્ડમાં ડામર રોડની સાઇટ પર કોન્ટ્રાકટરના નામ-સરનામા અને ફોન નંબર સાથેના બોર્ડ મુકવા મહત્વનો પ્રશ્ન મુકયો હતો. તંત્રએ વિચારણા કરીશું એવો જવાબ આપ્યો હતો.
પરંતુ હવે સરકારની ગુણવતા માટેની કડકાઇ અને અમદાવાદ કોર્પો.એ શરૂ કરેલી પહેલ પરથી રાજકોટ મનપાએ પણ પારદર્શક કામનો અભિગમ અપનાવ્યો છે. રાજકોટમાં અવારનવાર રોડ બન્યા બાદ ખાડા પડવા, રીપેરીંગ સહિત કરોડોના ખર્ચ થાય છે. હવે આ રોડ બનાવનાર એજન્સીના પુરા નામ, રોડનું નામ, ઝોન, વોર્ડની વિગતો, ફોન નંબર, કામની મુદત, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ સહિતની વિગતો દર્શાવવાની રહેશે. નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ-ફ્રી નંબર પણ તકતી પર દર્શાવવામાં આવશે. મેયર ડો. નેહલ શુકલે આ નિયમની અમલવારી શરૂ કરવા તંત્રને સૂચના આપી છે.
નાગરિકોને થશે મોટો ફાયદો
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દરેક મોટા અને મહત્ત્વના ગણાતા પ્રોજેક્ટમાં પારદર્શિતા લાવવાનો છે. એજન્સીઓની જવાબદારી નક્કી કરવાનો છે. આ નિર્ણયથી નાગરિકોને પણ ફાયદો થશે અને જે તે એજન્સી પણ પોતના કામને લઈને વધારે ગંભીર બનશે. નવા રસ્તા પર પડતા ખાડા, તૂટવા કે ખરાબ થવા પર નાગરિકો જે તે એજન્સીનો ડાયરેક્ટ સંપર્ક પણ કરી શકશે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ પણ કરી શકે છે. રોડના બન્ને છેડે લગાવેલી તખ્તીમાં તમામ વિગત સ્પષ્ટ કરવામાં આવશે. આ તખ્તી લોકો વાંચી શકે એવી રીતે લગાવવામાં આવશે. આ તખ્તી લોકો માટે કાયમી ધોરણે ખુલ્લી રાખવામાં આવશે. જ્યારે મહાનગર પાલિકા પાસે આ સમગ્ર પ્રોજેક્ટ અને એજન્સીનો એક ડિજિટલ રેકોર્ડ રહેશે. આમ કરવાથી એજન્સી પણ પોતાના કામની ગુણવત્તાને લઈને એલર્ટ રહેશે અને કામ વધારે સારી રીતે કરી બતાવશે.,