Sat Apr 25 2026

Logo

રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત સાંસદો ભાજપમાં જોડાયા, મીઠાઈ ખવડાવીને સ્વાગત કરાયું

2026-04-24 19:36:23
Author: Chandrakant Kanojia
Article Image

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત સાંસદો ભાજપમાં જોડાયા છે. જેમાં રાજીનામાં બાદ  દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં તમામ સાત સાંસદો ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન  હાજર રહ્યા હતા.  તેમણે નવા સભ્યોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. નવા સભ્યોનું  મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમને આમ આદમી પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે. 

રાજ્યસભામાં આપના 10 સાંસદો 

આ પૂર્વે રાઘવ ચઢ્ઢાએ કહ્યું, રાજ્યસભામાં આપના 10 સાંસદો છે. તેમજ  બે તૃતીયાંશથી વધુ સાંસદો અમારી સાથે છે. જેમાં હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ અને અન્ય નેતાઓ અમારી સાથે છે. આ ઉપરાંત સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં આમ આદમી પાર્ટીમાં વધી રહેલો બેહિસાબ ભ્રષ્ટાચાર, મહિલાઓ પર થતા અત્યાચાર, ગુંડાગર્દી વધી છે. પંજાબ સાથે થઈ રહેલી છેત્તરપિંડી અને લૂંટને ધ્યાને લઈને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને તેઓ ખોટી પાર્ટીમાં હતા

હવે પાર્ટીમાં ગુંગળામણ  અનુભવી રહ્યો છું 

તેમણે કહ્યું હતું કે આ પાર્ટી બનાવવાનો જે ઉદ્દેશ હતો તે પૂર્ણ થયો નથી. તેમજ ક્હ્યું કે આમ આદમી પાર્ટીથી દૂર થઇ રહ્યો છું અને સામાન્ય લોકો તરફ આગળ વધી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે પાર્ટીમાં ગુંગળામણ   અનુભવી રહ્યો છું. કારણ કે તેનું વર્તમાન સ્વરૂપ હવે તેના સ્થાપિત  સિદ્ધાંતો સાથે સુસંગત નથી.