ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના 'પોષણ અભિયાન'ને જન આંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વધુ સજ્જ બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે વિવિધ વિભાગોના સહયોગથી તા. ૯ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ૮મા પોષણ પખવાડિયાની દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મગજના સર્વાગી વિકાસ માટે સમુદાયને સશક્ત બનાવવાનો છે.
શું છે આ વર્ષની થીમ
કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષના પોષણ પખવાડિયાની થીમ "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવાનો" નક્કી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો મગજનો ૮૫ ટકાથી વધુ વિકાસ બાળકની ૬ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. જે આવશ્યક પોષણ, સંવેદનશીલ સાર- સંભાળ અને પ્રારંભિક શિક્ષાના મહત્વને ચિહ્નિત કરે છે. ખાસ કરીને પ્રથમ ૧૦૦૦ દિવસ બાળકની શારીરિક અને માનસિક સુખાકારી માટે સુવર્ણ તક સમાન છે, તેથી આ પખવાડિયા દરમિયાન 'સ્વાસ્થ્ય માટે પોષણ' થી એક ડગલું આગળ વધીને ‘મગજના શ્રેષ્ઠ વિકાસ માટે પોષણ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
પાંચ મુખ્ય સ્તંભો પર ભાર
પોષણના લક્ષ્યાંકો હાંસલ કરવા પાંચ મુખ્ય સ્તંભો પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં માતા અને બાળકનું પોષણ, ૩ વર્ષ સુધીના બાળકોના મગજના વિકાસ માટે પ્રારંભિક ઉત્તેજન, ૩ થી ૬ વર્ષ સુધીના બાળકો માટે રમત-આધારિત શિક્ષણ, સ્વસ્થ જીવનશૈલી- બાળકોમાં વધતા મોબાઈલ-ટીવી 'સ્ક્રીન ટાઈમ' ને ઘટાડી સક્રિય જીવનશૈલી તેમજ સક્ષમ આંગણવાડીઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત , આ સમગ્ર પખવાડિયા દરમિયાન આંગણવાડીઓ દ્વારા રાજ્યવ્યાપી પ્રવૃત્તિઓ થકી ગુજરાતના ખૂણેખૂણે વિવિધ વિભાગો, આંગણવાડી કાર્યકરો, માતાઓ, પરિવારો અને સ્થાનિક અગ્રણીઓ આ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અભિયાન, ક્વિઝ, પોસ્ટર મેકિંગ અને પોષણ પંચાયતો દ્વારા આ સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પોષણ પખવાડિયું એ માત્ર એક કાર્યક્રમ નથી. પરંતુ ગુજરાતના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટેનું મક્કમ પગલું છે.