Mon Apr 20 2026

Logo

અમદાવાદમાં ક્લાસ વન ઓફિસરને ફૂગવાળી બ્રેડ મળી તો, ડોક્ટરના પિઝામાંથી વાળ નીકળ્યો

2026-04-19 19:36:35
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદ-ગાંધીનગરમાં બનેલા બે કિસ્સાએ ફૂડ હાઈજીનનો વિષય ફરી ઉજાગર કર્યો છે. અહીં એક ક્લાસવન ઓફિસરે પાઉં ઓર્ડર કર્યા હતા. ઓનલાઈન ડિલિવરી દ્વારા મળેલા પાઉંમાં ફૂગ હોવાની ફરિયાદ તેમે કરી હતી ત્યારે બીજા એક કેસમાં ડોક્ટર અહીંના જાણીતા રેસ્ટોરાંમાં જમવા ગયા હતા, જ્યાં તેમના પિઝામાંથી વાળ નીકળ્યો હોવાની ફરિયાદ તેમણે અમદાવાદ મનપામાં કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા અને ગાંધીનગરના સુઘડ નજીક રહેતા ક્લાસ-1 અધિકારી યોગેન્દ્ર કુમાર ઓઝાએ આરોપ લગાવ્યો છે કે તેમને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર પાઉં ઓર્ડર કર્યા હતા, પરંતુ તેમાં ફૂગ લાગી ગઈ હતી. વિગતો અનુસાર, ઓઝાએ એપ દ્વારા બ્રેડ અને અન્ય વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો.

ડિલિવરી સમયે, તેમને બ્રેડમાં ફૂગ અને ગંધ જોઈ હતી.  તેણે ડિલિવરી બૉયને જણાવતા તેણે પ્રોડેક્ટ પોતે કંપનીના સ્ટોરમાંથી લીધી હોવાનું જણાવ્યું હતું. ઓઝાએ સ્ટોરની મુલાકાત પણ લીધી પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ તેમણે 112માં કૉલ કરી ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ફૂડ ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ નોંધાવી હતી. 

જ્યારે અન્ય એક કેસમાં ડૉ. ધ્રુવ પટેલ નામના એક શખ્સે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવી હતી કે શાહીબાગ ખાતે એક જાણીતા પિઝા આઉટલેટમાં તેઓ જમવા ગયા હતા. અહીં તેમના પિઝાના પહેલા જ બાઈટમાં તેમણે વાળ જોયો હતો.

હોટેલ સ્ટાફે આ મામલે ગંભીરતા ન દાખવતા તેમણે મનપાની હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. મનપાએ આઉટલેટની મુલાકાત લીધી ત્યારે રસોડામાં જોઈએ તેવી સ્વચ્છતા જોવા મળી ન હતી. મનપાએ રૂ. 10,000નો દંડ ફટકાર્યો હતો.