Mon Apr 20 2026

Logo

મંગળવારથી સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની અચોક્કસ મુદતની હડતાળ

2026-04-19 20:38:52
Author: Mumbai Samachar Team
Article Image

માંગણીઓ પ્રત્યે સરકારના દુર્લક્ષથી ૧૭ લાખ કર્મચારીઓ નારાજ, સરકારી કામગીરીને અસર થવાની ભીતિ

મુંબઈ: વિવિધ પડતર માંગણીઓ પ્રત્યે સરકાર સતત દુર્લક્ષ સેવી રહી હોવાનો આરોપ લગાવીને રાજ્યના સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ તેમ જ શિક્ષક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ ૨૧ એપ્રિલના મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચેતવણી આપી હતી. આ હડતાળને કારણે સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો તેમજ વિવિધ જાહેર સેવાઓ પર મોટી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના અંદાજે ૧૭ લાખ કર્મચારીઓ છેલ્લા ૧૫ મહિનાથી સરકારની નીતિઓથી નારાજ છે. તેમની માંગણીઓ પ્રત્યે સતત દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. 

છેલ્લા એક વર્ષમાં વિવિધ કર્મચારી સંગઠનોએ સાત વખત આંદોલન કર્યું, પરંતુ સરકારે કોઈ નક્કર નિર્ણય લીધો નથી. તેથી અંતે અચોક્કસ મુદતની હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી 'સમન્વય સમિતિ ઠાણે'ના સંયોજક જે. ભાસ્કર ગવ્હાલેએ આપી હતી. રાજ્યના સરકારી વિભાગોમાં અંદાજે ૩૫ ટકા જગ્યાઓ ખાલી હોવાને કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું હોવા તરફ પણ સંગઠનોએ ધ્યાન દોર્યું હતું.